For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અનિલ સ્ટાર્ચ મિલના માલિક અમોલ શેઠની ધરપકડ

Updated: Oct 12th, 2021


- 10 ટકા વળતરની લાલચ આપી કરોડોનું ફૂલેકું ફેરવ્યું : ક્રાઈમ બ્રાન્ચ આજે વધુ એક ફરિયાદ નોંધશે

અમદાવાદ,તા.12 ઓક્ટોબર,2021, મંગળવાર

શહેરના માલેતુજાર પરિવારના અનિલ સ્ટાર્ચ મિલના માલિક અમોલ શ્રીપાલભાઈ શેઠ (ઉ.વ. 53)ની ક્રાઈમ બ્રાન્ચે છેતરપિંડીના કેસમાં સોમવારે ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ પર મેળવતાં ચર્ચા જાગી છે. 16 લાખ રૂપિયાની છેતરપિંડી કરાયાની અમદાવાદના વેપારી કેદાર તાંબેની ફરિયાદ ગત રવિવારે રાતે નોંધી અમોલને સોમવારે સાંજે રાજસ્થાનના જેસલમેરથી ઝડપી લેવાયો છે. આજે, મંગળવારે રાત સુધીમાં ક્રાઈમ બ્રાન્ચે અમોલ શેઠ સાથે વધુ દોઢ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધશે તેમ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું. 

ભદ્ર પરિવારના સંતાન અને અનિલ સ્ટાર્ચ મિલના માલિક અમોલ શેઠ લોકોને પોતાના ધંધામાં રોકાણ કરતો હોવાનો વિશ્વાસ આપી 9-10 ટકા જેટલું વળતર આપવાની લાલચ આપી નાણાં મેળવતાં હતાં. બાદમાં, પૈસા પરત આપવાનું નામ લેતાં નહોતાં. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે, અમોલ શેઠે 350 કરોડ રૂપિયા આસપાસનું ફૂલેકું ફેરવ્યાની પ્રાથમિક વિગતો પોલીસ સુધી પહોંચી છે. ફરિયાદી આવતાં જશે તેમ ફરિયાદ નોંધવામાં આવશે.

વર્ષ 2017થી અત્યાર સુધીમાં અમોલ શેઠ સામે અડધો ડઝન જેટલી ફરિયાદો થઈ ચૂકી છે.

વર્ષ 2017 આસપાસના અરસામાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ, માણસા સહિતના પોલીસ સ્ટેશનોમાં અમોલ શેઠ સામે છેતરપિંડીની અડધો ડઝન જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. જો કે, હાઈકોર્ટમાંથી આગોતરા જામીન લઈને અમોલ શેઠ બચતો રહ્યો હતો. આ કારણે ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના ડ્રાઈવ-ઈન પાસે આવેલી કંપની પાસે મકાઈનો જથ્થો મગાવવાની વાત  કરી મેળવેલા 14 લાખ રૂપિયા પરત નહીં આપ્યાની ફરિયાદ ખાનગી રાહે નોંધી કલાકોમાં જ અમોલ શેઠની ધરપકડ કરી હતી. આ જ કૌભાંડમાં સંડોવાયેલા શિવપ્રસાદ કાબરાને પણ ઝડપી લેવાયા છે. 

ચોંકાવનારી બાબત એ છે કે, અમોલ શેઠે અન્ય રાજ્યોમાંથી પણ પૈસા મેળવીને વધુ નફાની લાલચ આપીને છેતરપિંડી કરી છે. કોઈની પાસેથી રોકાણ મેળવે ત્યારે 9-10 ટકા વ્યાજ આપવાની લાલચ આપી ચેકથી જ નાણાં મેળવતો હતો. પૈસા મેળવે ત્યારે જ નક્કી કરેલા સમયગાળાનું વ્યાજ ગણી મુદ્દલ અને વ્યાજની રકમ થતી હોય તેનો ચેક આપી દેતો હતો. છેતરપિંડી કેસમાં અમોલ શ્રીપાલભાઈ શેઠ (ઉ.વ. 53)ની ધરપકડ થતાં શહેરના ભદ્ર પરિવાર લાલભાઈ ગ્રુપમાં પણ ચર્ચા જાગી છે.

Gujarat