જર્કના નવા ચૅરમૅન તરીકે અનિલ મુકીમની નિમણૂક કરાઈ
જૂના ચૅરમૅનની મુદત પૂરી થતાં પૂર્વે નવાની નિમણૂક કરવાની પ્રક્રિયા કરવાની જોગવાઈનો અમલ નથી થતો
(પ્રતિનિધિ તરફથી) અંમદાવાદ,મંગળવાર
ગુજરાત વીજ નિયમન પંચના ચૅરમૅન તરીકે અનિલ મૂકીમની નિમણૂક કરવાની જાહેરાત ગુજરાત સરકારે કરી છે. ગુજરાત વીજ નિયમન પંચના ચૅરમેનના હોદ્દા પર આઠેક મહિનાથી કોઈજ વ્યક્તિની નિમણૂક કરાઈ નહોતી. પરિણામે જર્કની કામગીરીમાં અવરોધ પણ સર્જાયો હતો.
આ અગાઉના ચૅરમૅન આનંદ કુમાર એપ્રિલ ૨૦૨૧માં નિવૃત્ત થઈ ગયા હતા. તેમના સ્થાને નવી નિમણૂક કરતાં ગુજરાત સરકારે આઠ મહિનાથી વધુ વિલંબ કર્યો છે. તેની અસર જર્કની કામગીરી પર પડી હતી.
નિયમ પ્રમાણે ગુજરાત સરકારે વીજ નિયમન પંચના ચૅરમૅનની મુદત પૂરી થતાં પૂર્વે જ તે હોદ્દા માટે નવી વ્યક્તિની તલાશ ચાલુ કરીને તેની નિમણૂક કરવાની પ્રક્રિયાનો આરંભ કરી દેવાનો હોય છે. પરંતુ ગુજરાત સરકાર મોટાભાગના ચૅરમૅનો નિવૃત્ત થાય તે પછી થોડા મહિનાઓ કે અઠવાડિયાઓ બાદ નવા ચૅરમૅનની નિમણૂક કરતી આવી છે. તેમાંય સરકારની નીતિઓને અનુકૂળ રહીને કામ કરતી વ્યક્તિની જ નિમણૂક કરવાની સરકારની માનસિકતા હોવાથી ચૅરમૅનની નિમણૂક કરવામાં વિલંબ થતો હોવાનું જોવા મળે છે.