Get The App

51,229 આંગણવાડી બહેનોના પગારમાં રૂા.600નો વધારો

- નાયબ મુખ્યમંત્રીએ વિધાનસભામાં જાહેરાત કરી

- પગાર વધારાને લીધે સરકારી તિજોરી પર રૂા.110 કરોડનું ભારણ, વધારેલું વેતન માર્ચ-2020થી ચૂકવાશે

Updated: Mar 7th, 2020

GS TEAM

Google News
Google News
51,229 આંગણવાડી બહેનોના પગારમાં રૂા.600નો વધારો 1 - image


અમદાવાદ, તા. 6 માર્ચ, 2020, શુક્રવાર

રાજ્યની આંગણવાડી બહેનો,તેડાગર ઉપરાંત મીની આંગણવાડી કાર્યકર બહેનોના પગારમાં વધારો કરાયો છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતાં જણાવ્યું કે, 53 હજાર આંગણવાડીઓમાં અંદાજે 33 લાખ બાળકોના સર્વાગી વિકાસ અને મહિલાઓના પોષણ સ્તરને ઉંચુ લઇ જવાની કામગીરી કરતી 51,229 આંગણવાડી કાર્યકર બહેનોના માસિક પગારમાં રૂા.600 અને તેડાગર બહેનોના પગારમાં રૂા.300નો વધારો કરાયો છે. આ પગાર વધારા ઉપરાંત એક વર્ષનું એરિયર્સ પણ ત્રણ હપ્તે ચૂકવવામાં આવશે. જેથી રાજય સરકારની તિજોરી પર રૂા.110 કરોડનો આિર્થક બેઝો પડશે.

ગુજરાત વિધાનસભામાં જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે  જણાવ્યું કે, આંગણવાડી કાર્યકરોના સંગઠનની રજૂઆતને  પગલે રાજ્ય સરકારે ગુજરાતમાં 51229 આંગણવાડી બહેનોને માસિક વેતન રૂા.7200 મળે છે જેમાં રૂા.600નો વધારો કરાયો છે.હવે આંગણવાડી બહેનોને માસિક રૂા.7800 પગાર મળશે. આ જ પ્રમાણે,આંગણવાડી તેડાગર બહેનોને હાલમાં માનદ વેતન રૂા.3650 અપાય છે. જેમાં માસિક રૂા.300 વધારો કરાયો છે જેથી હવે માસિક પગાર રૂા.3950 ચૂકવાશે.

રાજ્યની 1800 મીની આંગણવાડી કાર્યકર બહેનોને માનદ વેતન રૂા.4100 ચૂકવાય છે. તેમના પગારમાં ય રૂા.300 વધારો કરાયો છે પરિણામે હવે મીની આંગણવાડી કાર્યકરો બહેનોને મહિને રૂા.4400 પગાર ચૂકવાશે.આ પગાર વધારો 1લી માર્ચ,2020થી અમલમાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આંગણવાડી કાર્યકર બહેનો,તેડાગર બહેનો અને મીની આંગણવાડી કાર્યકર બહેનોના પગાર વધારો રાજ્ય સરકાર ચૂકવશે.આ વધારાને કારણે રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂા.55.98 કરોડનો કાયમી આિર્થક બોજો પડશે. આ ઉપરાંત માર્ચ-2019થી ફેબુ્રઆરી-2020 સુધી માનદ વેતનનુ એરિયર્સ પણ ત્રણ હપ્તામાં ચૂકવવા સરકારે નિર્ણય કર્યો છે. આ એરિયર્સને કારણે પણ રૂા.55.98 કરોડનો વધારાનો ખર્ચ-બોજો પડશે.

નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં જાહેરાત કરી પણ હજુ સુધી અમલ નહી

પગાર વધારો મંજૂર નથી, 200 બહેનોની પોલીસે ધરપકડ કરી

આંગણવાડી કર્મચારી સંગઠનનો આક્ષેપ, આંદોલનથી ગભરાઇને સરકારે રૂા. 600ની લોલીપોપ આપી

અમદાવાદ,શુક્રવાર

રાજ્ય સરકારે આંગણવાડી બહેનોના પગારમાં રૂા.600નો વધારો કર્યો હોવા છતાંય આંદોલન જારી રહ્યુ છે. આંગણવાડી કર્મચારી સંગઠને આપેલાં એલાનને પગલે અમદાવાદ કલેક્ટર કચેરીએ ધરણાં-દેખાવો કરી રહેલી 200થી વધુમ હિલાઓની પોલીસે ધરપકડ કરી હતી. આંગણવાડી કાર્યકર બહેનોએ એક સૂરે કહ્યુંકે, સરકારે કરેલો પગાર વધારો મંજૂર નથી. સરકારે માત્ર લોલીપોપ આપી છે. 

આંગણવાડી બહેનોની માંગ છેકે,મહિને રૂા.10 હજાર પગાર આપો,કાયમી કરો,નિવૃતિ વય મર્યાદા વધારો,જિલ્લા-તાલુકા ફેર બદલી મંજૂર કરો. કુલ મળીને 16 માંગણીઓનો સરકાર સ્વિકાર કરે. આંગણવાડી કાર્યકર બહેનોનું કહેવુ છેકે,મનકી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંગણવાડી બહેનોને મહિને રૂા.1500 પગાર વધારો કરવાનું વચન આપ્યુ હતું.પણ આજ દીન સુધી રાજ્ય સરકારે અમલ કર્યો નથી. એવો આક્ષેપ કરવામાં આવ્યો કે, સરકારના મળતિયા સંગઠન સાથે વાતચીતનો ડોળ કરીને રૂા.600 પગાર વધારાની લોલીપોપ આપવામાં આવી છે જે સ્વિકાર્ય નથી. જયાં સુધી આ બધાય પ્રશ્નનો ઉકેલ નહી આવે ત્યાં સુધી આંદોલન જારી રહેશે.

Tags :