Get The App

આણંદનું નવું બસ મથક અસામાજિક તત્વોનો અડ્ડો બન્યું

- એસટી તંત્ર અને પોલીસ અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરે એવી માંગણી

Updated: Feb 28th, 2019

GS TEAM


Google News
Google News
આણંદનું નવું બસ મથક અસામાજિક તત્વોનો અડ્ડો બન્યું 1 - image


આણંદ.તા, 27 ફેબ્રુઆરી 2019, બુધવાર

આણંદ શહેરનું નવુ બસ મથક છેલ્લાં કેટલાંક સમયથી અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હોવાની ફરિયાદો ઉગ્ર બની છે. નવા બસ મથક ખાતે આવેલ વિવિધ સ્ટેન્ડને કેટલાંક લુખ્ખા તત્વોએ પોતાનો અડ્ડો બનાવ્યો છે અને રોજેરોજ આવા નિયત સ્થળે ટોળે વળી આવા તત્વો સ્ટેન્ડ ખાતે આવતી યુવતીઓને હેરાન-પરેશાન કરતાં હોય છે. 

જાહેર સ્થળો પર ધુમ્રપાન કરવાની મનાઈ હોવા છતાં કેટલાંક તત્વો ખુલ્લેઆમ બાંકડા પર બેસીને સીગારેટના ધૂમાડા કાઢતા હોય છે. સિક્યુરીટી જવાનના અભાવે લુખ્ખા તત્વોને મોકળું મેદાન મળી ગયું છે. સંબંધિત તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આવારા તત્વોને કાયદાના પાઠ ભણાવવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

વધુમાં જાગૃતોના જણાવ્યા મુજબ જિલ્લાના વડામથક આણંદ શહેરનું નવુ બસ મથક ટ્રાફિકની ચહલપહલથી સતત ધમધમતું રહે છે. આણંદ શહેરના નવા બસ મથક ખાતે ડાકોર, અમદાવાદ, નડીયાદ, બોરસદ, વડતાલ, ધર્મજ, વડોદરા સહિતના વિવિધ સ્થળોએ જવા માટે અલગ-અલગ સ્ટેન્ડ ફાળવવામાં આવ્યા છે તેમજ આવા સ્ટેન્ડો પર બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જો કે નવા બસ મથકના કેટલાંક સ્ટેન્ડો છેલ્લાં કેટલાંક સમયથી અસામાજિક તત્વોના અડ્ડા સમાન બની ગયા છે.

કેટલાંક કોલેજીયન યુવકો વિવિધ સ્ટેન્ડ પર આવેલ બાંકડા પર અડ્ડીંગો જમાવી બેસી રહેતા હોય છે અને આસપાસના સ્ટેન્ડ પર અવર-જવર કરતી યુવતીઓને યેન-કેન પ્રકારે કનડગત કરતાં હોય છે. કેટલાંક તત્વો ચોક્કસ બાંકડા પર કાયમ ભેગાં મળી મજાક-મશ્કરી કરી જાહેરમાં ધુમ્રપાન પણ કરતાં હોય છે. કેટલાંક સ્ટેન્ડ પર લાઈટની યોગ્ય સુવિધા ન હોવાથી રાત્રિના સમયે કેટલાંક યુવકો આવા સ્થળે શરાબની મહેફિલ પણ માણતા હોય છે. સિક્યુરીટીના અભાવે અસામાજિક તત્વોને કાયદાનો ડર રહ્યો નથી. 

એસ.ટી. તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરી અસામાજિક તત્વો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Tags :