ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર માટે એલ.જી.-શારદાબેન હોસ્પિટલની સેવાઓને પુરસ્કૃત કરવામાં આવી
રોજ સરેરાશ વીસ અકસ્માતના કેસ નોંધાય છે
અમદાવાદ,રવિવાર,21 નવેમ્બર,2021
અમદાવાદ શહેરમાં વિવિધ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા
લોકોને ત્વરિત સારવાર આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી. તેમજ
શારદાબેન હોસ્પિટલને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પ્રશસ્તિપત્ર આપી પુરસ્કૃત કરવામાં
આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, અમદાવાદ જિલ્લા અને શહેર પોલીસ દ્વારા અમદાવાદ શહેર તેમજ
આસપાસના વિસ્તારોમાંથી અકસ્માતનો ભોગ બનનારા લોકોને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની
હોસ્પિટલોમાં ત્વરિત સારવાર માટે લાવવામાં આવતા હોય છે.સરેરાશ આ પ્રકારના રોજ
વીસથી બાવીસ બનાવ બનતા હોય છે.
મ્યુનિ.હસ્તકની હોસ્પિટલોમાં સર્જરી ઉપરાંત મેડિસીન, ઓર્થોપેડીક, ઈ એન્ડ ટી સહિતના
વિભાગોમાં ફરજ બજાવતા મેડિકલ અને પેરામેડીકલ સ્ટાફ દ્વારા ઈજાગ્રસ્તોને આપવામાં
આવતી ત્વરિત સારવારના કારણે આ પ્રકારના દર્દીઓને કાયમી ખોડ-ખાંપણથી બચાવી શકાય
છે.મ્યુનિ.હોસ્પિટલની આ સેવાને પોલીસ વિભાગ દ્વારા સન્માનિત કરવામાં આવી છે.