Get The App

મહિલાએ સાસરીયા સામે કરેલી ફરિયાદના મુદ્દે બે પક્ષો વચ્ચે સશસ્ત્ર હુમલો

Updated: Mar 23rd, 2022

GS TEAM

Google News
Google News
મહિલાએ સાસરીયા સામે કરેલી ફરિયાદના મુદ્દે બે પક્ષો વચ્ચે સશસ્ત્ર હુમલો 1 - image

વડોદરાઃ ગોરવામાં મહિલાએ દહેજ બાબતે ત્રાસ ગુજારતા પતિ અને સાસરીયા સામે નોંધાવેલી ફરિયાદ બાદ ગઇકાલે સાંજે બંને પક્ષો વચ્ચે સામસામે હુમલો કરવાનો બનાવ બનતાં ગોરવા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગોરવામાં રહેતી મહિલાએ તેના પતિ અને સાસરીયાને મકાન માટે દહેજ પેટે રૃ.૧૫ લાખ આપ્યા હોવા છતાં તેની પાસે ફ્રિજ,ટીવી તેમજ બુલેટ જેવી માંગણી કરી ત્રાસ ગુજારવામાં આવતો હોવાના આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવતા ગોરવા પોલીસે સોએબ અને સાસુ,સસરા,નણંદ,મામા સસરા અને તેના  પુત્ર સામે ગુનો નોંધ્યો હતો.આ બનાવ બાદ ગઇકાલે સાંજે બે પક્ષો વચ્ચે હુમલાનો  બનાવ બન્યો હતો.

મધુનગરના ફાતિમાપાર્ક ખાતે રહેતા શાહરૃખ પઠાણે પોલીસને કહ્યું છે કે,હું તેમજ ગુલામ મુસ્તુફા પઠાણ સ્કૂટર પર નિસાર રેસિડેન્સી ખાતે જમવા જતા હતા ત્યારે ઇમરાન પઠાણ,શાહબાજ પઠાણ,રિઝવાન પઠાણ(ત્રણેય રહે.મદની પાર્ક,ગોરવા), આરિફ ઉર્ફે ટીકુ(મરહબા પાર્ક,ગોરવા) અને ઉમર  પઠાણ(નિસાર રેસિડેન્સી)મારક હથિયારો સાથે ધસી આવ્યા હતા અને તારી માસીના દીકરા સોએબને કહેજે કે મારી બેન સાથે સારૃ વર્તાવ કરે તેમ કહી અમને માર મારી હુમલો કર્યો હતો.

સામે પક્ષે રિઝવાન પઠાણે વળતી ફરિયાદમાં કહ્યું છેકે,મારે ઘેર આવેલા તારિક આકિલ પઠાણ,તારિક ઇરફાન પઠાણ,ગુલામ મુસ્તુફા,બાબુ અને શાહરૃખ (નિસાર રેસિડેન્સી,ગોરવા)એ પોલીસ ફરિયાદ પાછી ખેંચવા માટે મારી બેનને ગાળો દેતાં મેં તેમને અટકાવ્યા હતા.જેથી હુમલાખોરોએ માર મારી ચપ્પુ વડે હુમલો કર્યો હતો.વચ્ચે પડેલા મો.ઉમર પર પણ તેમણે હુમલો કર્યો હતો.