શહેરમાં રખડતા પશુઓની સમસ્યા વચ્ચે અમદાવાદ બહાર એનીમલ હોસ્ટેલ બનાવવા ત્રણ વર્ષથી તંત્ર વચ્ચે ટલ્લે ચઢતી દરખાસ્ત
સાણંદ વિસ્તારમાં ૨૨ હજાર ચોરસ મીટર જગ્યા ફાળવવા મ્યુનિ.દ્વારા કલેકટર સમક્ષ માંગણી
અમદાવાદ,ગુરુવાર,4 નવેમ્બર,2021
અમદાવાદમાં રસ્તા ઉપર રખડતા પશુઓને પકડવાની ચાલતી કામગીરીની
વચ્ચે શહેરમાંથી રખડતા પશુઓની સમસ્યાના કાયમી નિકાલ માટે અમદાવાદ બહાર સાણંદ
વિસ્તારમાં એનીમલ હોસ્ટેલ બનાવવા મ્યુનિ.દ્વારા કલેકટર પાસે માંગવામાં આવેલી ૨૨
હજાર ચોરસ મીટર જગ્યાની દરખાસ્ત સરકારી તંત્ર વચ્ચે ત્રણ વર્ષથી ટલ્લે ચઢી રહી છે.
અમદાવાદ મ્યુનિ.વિસ્તારમાં નવા સમાવવામાં આવેલા વિસ્તારો
સાથે હાલમાં અંદાજે ૭૦ હજાર જેટલુ પશુધન છે.પૂર્વ મ્યુનિસિપલ કમિશનરે શહેર બહાર
એનીમલ હોસ્ટેલ બનાવી એમાં રખડતા પશુઓને રાખવા દરખાસ્ત કરી હતી.મ્યુનિ.ના સત્તાવાર
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,
૨૪ ઓકટોબર-૨૦૧૮ના રોજ દરખાસ્ત મંજુર કરી સાણંદ વિસ્તારમાં ૨૨ હજાર ચોરસ મીટર
જગ્યા એનીમલ હોસ્ટેલ માટે ફાળવી આપવા અમદાવાદ કલેકટરને વિનંતી પત્ર મોકલવામાં આવી
હતી.૨ જુલાઈ-૨૦૧૯ના રોજ આ મામલે એક રીમાઈન્ડર મ્યુનિ.એ કલેકટરને મોકલ્યુ હતું.૨૭
જુલાઈ-૨૦૨૧ના રોજ કલેકટર દ્વારા આ દરખાસ્ત દફતરે કરતા ૧૪ સપ્ટેમ્બરે મ્યુનિ.એ ફરી
એક વખત જગ્યા ફાળવવા દરખાસ્ત મોકલી છે.
અમદાવાદ મ્યુનિ.પાસે હાલ ૩૫૦૦થી વધુ પશુધન રાખવાની સુવિધા
છે.જેમાં દાણીલીમડા ખાતે ૧૫૦૦ અને બાકરોલ ખાતે ૨૫૦૦ પશુઓ રાખવામાં આવે છે.૮૫ લાખના
ખર્ચે આગામી સમયમાં દાણીલીમડા કેટલ પોઈન્ટનું નવીનીકરણ કરાશે એમ જાણવા મળ્યુ
છે.નવરંગપુરા વોર્ડમાં ટ્રાફિકની ગીચતા ધરાવતા વિસ્તારને નો કેટલ ઝોન જાહેર કરવા
મ્યુનિ.તરફથી ૧૪ સપ્ટેમ્બરે સંયુકત પોલીસ કમિશનર ટ્રાફિકને લેખિત રજુઆત કરવામાં
આવી છે.