ડુંગરની જગ્યા પર 200 ફૂટ જમીનમાં ચાલતું ખનન
1990માં અમિતાભે કભી-કભી આલબમનું શૂટિંગ કર્યું હતું તે ડુંગરનું ખનનકારોએ નામોનિશાન મિટાવી દીધું
ઇડર : ઇડરની ચારે તરફ અરવલ્લીની ગિરિમાળાઓ પથરાયેલી હોવાથી કૃદરતી સૌદર્ય પણ બેનમુન છે. 1990માં સદીના મહાનાયક અમિતાભ બચ્ચને કભી-કભી (એબી-બેબી) આલબમનું શૂટિંગ ઇડરના લાલોડા ગામના ડુંગરો પર કર્યું હતું. જોકે 'અમિતાભવાળા' નામે ઓળખાતા ડુંગરનું ખનનકારોએ નામો નિશાન મિટાવી દીધું છે. હાલમાં આ ડુંગરની જગ્યા પર 200 ફુટ જટલી જમીનમાં ખનન ચાલી રહ્યુ છે.
32 વર્ષ અગાઉ અમૂલ પર ડોકયુમેન્ટરી બનાવતા પ્રોડયુસર અને ફિલ્મ મેકર રાકેશ મહેરાના મોઢે ઇડર આસપાસના ડુંગરોની સૌદર્ય ગાથા સાંભળી અમિતાભ બચ્ચને પણ તેઓના કભી-કભી નામના આલબમનું શૂટિંગ માટે ઇડરના ડુંગરોની પસંદગી કરી હતી. જે માટે તેઓએ લાલોડા ગામની સીમમાં આવેલા પથ્થરીયા પહાડ પર સેટ ગોઠવ્યો હતો.બચ્ચને પણ ઇડરના ડુંગરો અને કુદરતી સૌદર્યની અદભુત મજા માણી હતી.
બચ્ચનના આલબમના શૂટિંગ સાથેને લાલોડા ગામને આ ડુંગરને નવા નામ અને ઓળખ મળી હતી. જોકે બાદમાં આ ડુંગર અમિતાભવાળા ડુંગર તરીકે ઓળખવા લાગ્યો હતો. જોકે ખનનકારોના પાપે ઇડરમાંથી અસંખ્ય ઐતિહાસિક ડુંગરોનું નામોનિશાન નિકળી ગયું હતું. કભી-કભી શૂટિંગ વખતનો ડુંગર માત્ર આલબમમાં જ રહી ગયો છે. અમિતાભ બચ્ચને જેતે વખતે આ ડુંગર પર ફરી વાર આવવાનું આપેલું વચન પણ પુરૂ થાય તેમ નથી કારણ કે આ ડુંગર નામશેષ થઈ ગયો છે.
સાપાવાડાના અંબાલાલ પટેલે લડત ચલાવી હતી
સાપાવાડા ગામના અંબાલાલ પટેલે અભિતાભવાળા ડુંગર સહિત પર ખનન અટકાવવા માટે લડત ચલાવી હતી તેઓની લડતના પગલે સાપાવાડા ગામની સીમના ડુંગરોમાં ચાલતુ ખનન અટકાવવામાં સફળતા મળી હતી. જોકે અમિતાભવાળા ડુંગરનું રેવેન્યુ વિલેજ અલગ હોવાથી ખનન રોકી શકાયું ન હતું. આ ડુંગર નામશેષ થઇ જતાં આજે પણ તેઓને દુ:ખ વર્તાઇ રહ્યું છે.
રાકેશ મહેરા બચ્ચનને ઇડર લાવ્યા હતા
પ્રોડયુસ અને ફિલ્મ મેકર રાકેશ મહેરા અમુલની ડોક્યુમેન્ટરી બનાવતા હોવાથી વારંવાર ઇડર આવવાનું થયું હતુ અને ડુંગરોથી પ્રભાવિત થયા હતા. તેઓએ કભી-કબી આલબમ માટે અમિતાભ સમક્ષ ઇડરના ડુંગરોની સુંદરતા વર્ણવતા તેઓ ઇડર આવવા માટે રાજી થયા હતા અને લાલોડાના પથ્થરીયા ડુંગર પર આલબમનું શૂટિંગ કર્યું હતું.
સરકાર 'હેરિટેજ' શબ્દ સમજતી જ નથી, સમજ્યા વગર પબ્લિસિટી કરે છે !
ખનનકારોએ આવો ઐતિહાસિક ડુંગર આખેઆખો ખોદી નાખ્યો છતાં સરકારી તંત્રએ કોઈ પગલાં નથી લીધાં એ આશ્ચર્ય અને આઘાતની વાત છે. ખાણ-ખનીજ વિભાગ અને હેરિટેજ વિભાગનું આટલી મોટી ઘટના તરફ ધ્યાન સુધ્ધાં નથી ગયું એ માન્યામાં ન આવે તેવી વાત છે.
ગુજરાતમાં કોઈ પણ સ્થળે કુદરતી સંપત્તિનું ખોદકામ ગેરકાયદે છે છતાં માત્ર ઈડર જ નહીં રાજ્યના અનેક સ્થળોએ અવારનવાર રેતી, માટી, પથ્થરો અને કાર્બોસેલનું બેફામ ખનન થાય છે. ક્યારેક ખાણ-ખનીજ ખાતું દેખાડો કરવા દરોડા પાડી ખનીજ અને વાહનો જપ્ત કરે છે પણ ક્યારેય ખનીજચોર ભૂમાફિયાઓનો વાળ પણ વાંકો થતો નથી.
આવા અનેક કિસ્સાઓમાં ખાણ-ખનીજ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ હપ્તારાજ ચલાવે છે એ સરકાર પણ જાણે છે છતાં છડેચોક ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિ અટકતી નથી. રાજ્ય સરકાર મોટા ઉપાડે હેરિટેજ સિટી, હેરિટેજ સ્મારકો, હેરિટેજ સ્થળોની જાહેરાતો કરી માત્ર ને માત્ર પબ્લિસીટી મેળવવા સિવાય કશું કરતી જ નથી.
વાત માત્ર 'અમિતાભવાળા ડુંગર' ની નથી. ઈડરના બીજા ડુંગરો તથા રાજ્યનાં અનેક સ્થળો પર આવી જ રીતે ગેરકાયદે ખનન કરી ડુંગરોનું નામોનિશાન મિટાવી દેવામાં આવ્યું છે છતાં સરકારે આવા ઐતિહાસિક સ્થળોને બચાવવા કોઈ પ્રયાસો જ નથી કર્યા એનો અર્થ શું સમજવો ? શું તે ભૂમાફિયાઓ અને ભ્રષ્ટ અધિકારીઓને છાવરવા માગે છે કે પોતે જ પાંગળી અને લાચાર છે ?


