વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની મોટાભાગની ફેકલ્ટીઓમાં નવેમ્બરમાં એન્ડ સેમેસ્ટર પરીક્ષાઓ લેવામાં આવનાર છે.સાયન્સ સહિતની કેટલીક ફેકલ્ટીઓએ કોરોનાનુ જોર ઘટયુ હોવાના કારણે વિદ્યાર્થીઓને કેમ્પસમાં બોલાવીને પરીક્ષા લેવાનુ નક્કી કર્યુ હતુ.
જોકે તેની સામે વિદ્યાર્થીઓમાં અને ખાસ કરીને બહારગામના વિદ્યાર્થીઓમાં કચવાટ હતો.જેના પગલે હવે યુનિવર્સિટી સત્તાધીશોએ તમામ ફેકલ્ટીઓને એન્ડ સેમેસ્ટર પરીક્ષા ઓનલાઈન લેવા માટે આદેશ આપ્યો છે.યુનિવર્સિટીએ કોરોના કાળમાં પહેલી વખત પરીક્ષા કેવી રીતે લેવી તે અંગે ફેકલ્ટીઓને સૂચના આપી છે.આ પહેલા યુનિવર્સિટી સત્તાધીશોએ પરીક્ષા કેવી રીતે લેવી તે ફેકલ્ટીઓ પર છોડયુ હતુ.
યુનિવર્સિટી હેડ ઓફિસના સૂત્રોનુ કહેવુ હતુ કે, યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં બહારગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.ફેકલ્ટીઓ જો કેમ્પસમાં બોલાવીને પરીક્ષા લે તો બહારગામના વિદ્યાર્થીઓેને આ માટે વડોદરા આવવુ પડે તેમ હતુ.સરકારની હાલની ગાઈડ લાઈન પ્રમાણે હોસ્ટેલમાં હવે વિદ્યાર્થીઓને રાખવાની જગ્યા નથી.જેના પગલે યુનિવર્સિટીએ તમામ ફેકલ્ટીઓને ઓનલાઈન પરીક્ષા લેવાનો જ આદેશ આપ્યો છે.
વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા માટે યુઝર આઈડી અને પાસવર્ડની જાણકારી તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસએમએસ થકી એક દિવસ પહેલા આપવામાં આવશે.જે વિદ્યાર્થીઓને યુઝર આઈડી અને પાસવર્ડ મળવામાં મુશ્કેલી પડે તેણે પોતાની ફેકલ્ટીનો સંપર્ક કરવાનો રહેશે.ઓનલાઈન પરીક્ષા અગાઉના નિયમો પ્રમાણે જ લેવામાં આવશે.
જોકે પ્રેક્ટિકલ પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ ફેકલ્ટી જે ટાઈમ ટેબલ નક્કી કરે તે પ્રમાણે ફેકલ્ટીમાં આવવાનુ રહેશે.


