Get The App

પાલડી કાંકજ ગામમાં ધોરણ એકથી પાંચની મંજૂરી ન હોવા છતાંય, નકલી શાળા શરૂ કરવામાં આવી

નકલી શાળામાં ૨૬ વિદ્યાર્થીઓને ગેરકાયદેસર એડમીશન આપી દેવાયા

શારદા શિક્ષણ તીર્થ નામની ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓની હાજરી સરકારી સ્કૂલમાં દર્શાવવામાં આવતી હતીઃ અસલાલી પોલીસે ગુનો નોંધ્યો

Updated: Oct 29th, 2023

GS TEAM


Google News
Google News
પાલડી કાંકજ ગામમાં ધોરણ એકથી પાંચની મંજૂરી ન હોવા છતાંય, નકલી શાળા શરૂ કરવામાં આવી 1 - image

અમદાવાદ,રવિવાર

અગાઉ નકલી ઘી, નકલી પનીર, નકલી નોકરીના ઓર્ડર અને નકલી સરકારી કચેરી બાદ હવે નકલી સ્કૂલનું કૌભાંડ પણ બહાર આવ્યું છે. જેમાં અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકા પાલડી કાંકજ ગામમાં ચાલતી ખાનગી સ્કૂલમાં ધોરણ એક થી પાંચના અભ્યાસક્રમની પરવાનગી મળી ન હોવા છંતાય, વિદ્યાર્થીઓના એડમીશન ગેરકાયદેસર રીતે લઇને તેમની હાજરી બાજુમાં આવેલી સરકારી શાળામાં પુરવામાં આવતી હતી અને અભ્યાસ પોતાની ખાનગી  સ્કૂલમાં કરાવવામાં આવતો હતો.  જે અંગે અસલાલી પોલીસે છેતરપિંડી, બનાવટી દસ્તાવેજોનો ગુનો નોંધીને તપાસ  શરૂ કરી છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પીન્કેશભાઇ પટેલે અસલાલી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  તેમની સાથે  ફરજ બજાવતા બીટ કેળવણી નિરીક્ષક જીગર પાઠક અને રવિશંકર ગોસ્વામીને દસ્ક્રોઇ તાલુકાના પાલડી કાંકજ ગામના સ્થાનિક લોકો અને સ્કૂલ મેનેજમેન્ટ સમિતિના સભ્યોએ અરજી કરી હતી.  જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગામમાં આવેલી શારદા શિક્ષણ તીર્થ પ્રાથમિક શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૬, ૭ અને ૮ની ખાનગી બિનઅનુદાતીત પ્રાથમિક શાળા અને ધોરણ ૯ થી ૧૨ સુધી સરકારની ગ્રાંન્ટેડ હાઇસ્કૂલની મંજૂરી શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી હતી. તેમ છંતાય, આ સ્કૂલમાં ધોરણ એક થી પાંચમાં બાળકોે ગેરકાયદેસર રીતે અભ્યાસ કરાવવામાં  આવે છે. જે અંગે તપાસ કરવામાં આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે સંદીપ ગૌતમભાઇ બ્રહ્યભટ્ટ નામના સંચાલકે શારદા શિક્ષણ તીર્થ પ્રાથમિક શાળામાં ધોરણ એક થી પાંચના ૨૬ બાળકોને એડમીશન આપીને વિદ્યાર્થી દીઠ ૧૧ હજારની ફી ઉધરાવી હતી. જ્યારે વિદ્યાર્થીઓની હાજરી બાજુમાં આવેલી પાલડીકાંકજ સરકારી શાળામાં નોંધવામાં આવતી હતી. જેમાં  સરકારી શાળાના આચાર્ય જીગ્નેશ સથવારાની મિલીભગત હતી.   આ વિદ્યાર્થીઓની પરીક્ષા શારદા શિક્ષણ તીર્થ પ્રાથમિક શાળામાં લેવામાં આવતી હતી અને પરિણામ પણ બનાવટી તૈયાર કરવામાં આવતા હતા. સાથે સાથે આ વિદ્યાર્થીઓની પરીક્ષાના પેપર ખાનગીમાં સરકારી શાળામાં પણ લેવાતા હતા. આમ, સમગ્ર કૌભાંડને ચલાવવામાં આવતું હતું.  આ અંગે જિલ્લા પોલીસ વડા અમિત વસાવાએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આ મોટું કૌભાંડ જણાય રહ્યું છે.  જે છેલ્લાં ત્રણ વર્ષથી ચલાવવામાં આવતું હતું. જેથી  છેલ્લાં ત્રણ વર્ષના એડમીશનના દસ્તાવેજો મંગાવવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે આઇપીસીની ૪૦૬, ૪૨૦ અને ૧૧૪ ઉપરાંત, ૪૬૫, ૪૬૭ અને ૪૭૧ની કલમ ઉમેરવામાં આવી છે.  હાલ સરકારી શાળાના આચાર્ય જીગ્નેશ સથવારા ફરાર હોવાથી  તેની ધરપકડ બાદ વિગતો બહાર આવી શકે તેમ છે.  જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ વાઘેલાએ તપાસ શરૂ કરી છે.

Tags :