હેવી ઇલેક્ટ્રીક કરંટ ધરાવતા થાંભલા પરથી વાયર ચોરી કરતી ગેંગ ઝડપાઇ
૨૯ જેટલા ગુુનાના ભેદ ઉકેલાયા
ગુજરાતમાં અનેક સ્થળોએથી લાખો રૂપિયાની કિંમતના એલ્યુમિનિયમના વાયરોની ચોરી કરી હોવાનું ખુલ્યું
અમદાવાદ
અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ચાલુ વીજકરંટ ધરાવતા થાંભલા પરથી વાયરોની ચોરી કરતી કુમાવત ગેંગના ત્રણ સાગરિતોને ઝડપી લીધા હતા. પ્રાથમિક પુછપરછમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતના કુલ ૨૯ જેટલા ગુનાના ભેદ ઉકેલ્યા છે. આ ગેંગની મોડ્સ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જે અંગે વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય અને અન્ય જિલ્લાઓમાં છેલ્લાં ઘણા સમયથી જીઇબીના વીજ પોલ પરથી ચાલુ વીજ પુરવઠો ધરાવતા વાયરોની ચોરી થવાની અનેક ઘટનાઓ બની રહી હતી. જેથી અંગે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફ દ્વારા અલગ અલગ શંકાસ્પદ લોકો પર નજર રાખવામાં આવી રહી હતી. જેમાં બાતમીને આધારે સનાથલ ચાર રસ્તા પાસેથી કુમાવત ગેંગના પપ્પુ ખરાડી (રહે.ડુંગરપુર, રાજસ્થાન), મુકેશ ડામોર (રહે. ઉદેપુર , રાજસ્થાન) અને અનિલ રોહત (રહે. ડુંગરપુર, રાજસ્થાન)ને ઝડપી લીધા હતા. પ્રાથમિક પુછપરછમાં શરૂઆતમાં તેમણે વીજવાયરની ચોરી અંગે કોઇ માહિતી આપી નહોતી. બાદમાં આકરી પુછપરછમા તેમણે ગુજરાતમાં છેલ્લાં આઠ મહિનામાં મહેસાણા, ગાંધીનગર, સુરત અને અમદાવાદ ગ્રામ્યમાં ૨૯ જેટલા ગુના આચર્યા હતા. જ્યારે આ ગેંગના રાધેશ્યામ કુમાવત અને નારાયણલાલ કુમાવત મુખ્ય સુત્રધાર છે. જે ચોરીની જગ્યા અને ચોરીના વાયરોનું વેચાણ કરતા હતા.
એલસીબી પીઆઇ ડી બી વાળાએ જણાવ્યું હતું કે આ ગેંગની મોડ્સ ઓપરેન્ડી
ખુબ જ જોખમી હતી. રાતના સમયે પીકઅપ વાન લઇને વીજ થાંંભલા પાસે મોટુ દોરડુ ફેંકીને બે
વાયરોને ભેંગા કરીને વીજફોલ્ટથી વીજપુરવઠો બંધ કરી દેતા હતા. બાદમાં મોટા કટરથી વાયરને
કાપીને રાતના સમયે જ તે અગાઉ નક્કી કર્યા મુજબ ગ્રાહકને સપ્લાય કરતા હતા. જેથી પોલીસ
મુળ સુધી પહોંચી શકતી નહોતી.અત્યાર સુધીમાં આ ગેંગ દ્વારા લાખો રૂપિયાની કિંમતના વાયરોની
ચોરી કરવામાં આવી હોવાનું પણ ખુલ્યુ છે.
આ ગેંગના મુખ્ય સુત્રધાર રાધેશ્યામ અને નારાયણલાલ કુમાવતની ધરપકડ
બાદ જ તેમની પાસેથી વાયરોની ખરીદી કરતા લોકોની પણ વિગતો મળી શકશે.