અમદાવાદ રેન્જ IGP, IPS કે. જી. ભાટીનું હાર્ટએટેકથી અવસાન
- પૂર્વ DGP પાઠક પછી ઓન ડયૂટી ઓફિસરના મૃત્યુની બીજી ઘટના
- સ્વાદુપિંડની બિમારી થતાં શુક્રવારથી હોસ્પિટલમાં હતાં ને રવિવારે બે એટેક આવતાં મૃત્યુ : બે પુત્ર વિદેશથી આવે પછી ગુરૂવારે અંતિમવિધિ
અમદાવાદ, તા. 10 જાન્યુઆરી, 2021, રવિવાર
અમદાવાદ રેન્જ આઈજીપી, સિનિયર આઈપીએસ કે.જી. ભાટીનું રવિવારે હાર્ટએટેકથી અવસાન થયું છે. સ્વાદુપિંડની બિમારી ફરી વખત થતાં શુક્રવારે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. હોસ્પિટલમાં જ રવિવારે સવારે અને બપોરે બે હાર્ટએટેક આવતાં કેસરીસિંહ ભાટીનું મૃત્યુ નિપજ્યું હતું.
બન્ને પુત્ર વિદેશ છે અને ત્યાંથી અમદાવાદ પાછા ફરે તે પછી ગુરૂવારે તેમના વતન મહેસાણા ખાતે અંતિમવિધિ કરવામાં આવશે. ગુજરાત આઈ.પી.એસ. એસોસિએશન અને ડીજીપી આશિષ ભાટિયાએ કે.જી. ભાટીના મૃત્યુ બદલ શોક વ્યક્ત કર્યો છે.
અમદાવાદ રેન્જ આઈજીપી કેસરીસિંહ જી. ભાટી (ઉ.વ.57)નું હાર્ટએટેકથી રવિવારે બપોરે મૃત્યુ નિપજ્યું છે. 1999 બેચના સિનિયર આઈપીએસ કે.જી. ભાટી પેનક્રિઆસ એટલે કે સ્વાદુપિંડની બિમારીથી પિડાતા હતા.
ફરી એક વખત સ્વાદુપિંડની સમસ્યા સર્જાતાં કે.જી. ભાટી શુક્રવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન રવિવારે સવારે 9 વાગ્યે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. સારવાર શરૂ કરવામાં આવી હતી તે દરમિયાન બપોરે એક વાગ્યે બીજો હાર્ટએટેક આવ્યો હતો.
રવિવારે બપોરે એક વાગ્યે આવેલો હૃદયરોગનો બીજો હૂમલો આઈપીએસ કે.જી. ભાટી માટે જીવલેણ પુરવાર થયો હતો. આઈજીપી કે.જી. ભાટીનું નિધન થયાંના સમાચાર પોલીસ અધિકારીઓ અને પોલીસ તંત્રમાં વાયુવેગે પ્રસર્યા હતા. ઓનડયૂટી પોલીસ ઓફિસરનું મૃત્યુ નિપજ્યાની આ બીજી ઘટના છે.
ગુજરાતના ડીજીપી અમિતાભ પાઠકનું વર્ષ 2013માં 58 વર્ષની વયે હાર્ટએટેકથી નિધન થયું હતું. પરિવાર સાથે થાઈલેન્ડ ફરવા ગયા હતા ત્યારે સ્વિમિંગ દરમિયાન આવેલો હૃદય રોગનો હૂમલો ઘાતક પૂરવાર થયો હતો. હવે, કે.જી. ભાટીનું પણ સ્વાદુપિંડની સારવાર દરમિયાન હાર્ટએટેકથી મૃત્યુ નિપજ્યું છે.
કે.જી. ભાટીના ભાઈ એસ.જી. ભાટી પણ ગુજરાત પોલીસમાં અધિકારી હતા અને હાલ નિવૃત્ત છે. કેસરીસિંહ ભાટીના બે પુત્ર હાલ વિદેશ છે. બન્ને પુત્ર ગુરૂવારે અમદાવાદ આવી પહોંચશે તે પછી કે.જી. ભાટીની અંતિમવિધી તેમના વતન મહેસાણા ખાતે કરવામાં આવશે. કે.જી. ભાટી હાલ ગાંધીનગર ખાતે રહેતા હતા.
50 લાખના તોડમાં પોતાને સંડોવવા લોબી સક્રિય હોવાના મુદ્દે વ્યથિત હતાં કેસરીસિંહ ભાટી
વર્ષ 1999ની બેચના સિનિયર આઈપીએસ કેસરીસિંહ ભાટી તેમના તાબામાં આવતી અમદાવાદ રેન્જના હેડ કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઓલ 50 લાખના તોડકાંડમાં પકડાયા પછી વ્યથિત હતાં. પોતાની રેન્જમાં ખંભાતનો બનાવટી ખાતર કાંડ ધ્યાન પર આવતાં ખાતરનો જથ્થો કબજે કરાવીને તેના નમૂના એફએસએલમાં મોકલાવ્યાં હતાં અને ગુનો નોંધતા પહેલાં રિપોર્ટ આવે તેની રાહ જોવાઈ રહી હતી.
આ સમયગાળામાં જ રેન્જ આઈજીપી કચેરીના કર્મચારી 50 લાખની તોડકાંડમાં પકડાયા હતા. એક મહિલાની ફરિયાદના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી તેમાં તમામ નાણાં 6.50 લાખ એસીબીએ કાઢ્યાં અને બાકીના 43.50 લાખની કાગળના બંડલ ગોઠવાયા તે રેડની પદ્ધતિ આંચકારૂપ જણાઈ હતી.
આ ઉપરાંત 2.15 લાખની કિંમતના ખાતરમાં 50 લાખના તોડમાં પોતાના તાબામાં આવતાં કર્મચારીની સંડોવણીથી આઈજીપી ભાટી વ્યથિત હતાં. પોતાને ફસાવવા માટે નિશ્ચિત લોબી સક્રિય થઈ હોવાની આશંકાથી આઈજીપી ભાટી મનના ઊંડાણથી વ્યથા અનુભવી રહ્યાં હતાં. પોલીસ તંત્રમાં ચર્ચા છે કે, આ આઘાતથી તેઓ વિહવળ હતાં.