નિવૃત આર્મી ઓફિસરની ઓળખ આપીને ફરતો શંકાસ્પદ યુવક ઝડપાયો
કાલુપુર રેલવે સ્ટેશન પર પોલીસની કામગીરી
અલીગઢમાં રહેતા મુસ્લિમ યુવકે હિંદુ યુવકની ઓળખ ધરાવતું બનાવટી આધારકાર્ડ બનાવ્યાનું કબુલ્યું
અમદાવાદ,શનિવાર
આર્મીના નિવૃત અધિકારીની ઓળખ આપનાર એક શંકાસ્પદ યુવકને અમદાવાદ રેલવે પોલીસે ઝડપી લીધો હતો. તેની પાસેથી મળી આવેલા આધાર કાર્ડની તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. ઉત્તર પ્રદેશના અલીગઢમાં રહેતા મુસ્લિમ યુવકે હિંદુ વ્યક્તિનું નામ ધારણ કરીને બનાવટી આધારકાર્ડ તૈયાર કર્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદ રેલવે પોલીસનો સ્ટાફ ગત ૫મી સપ્ટેમ્બરના રોજ ચોરીના કેસની તપાસમાં હતો ત્યારે એક યુવકની હરકત શંકાસ્પદ જણાતા પોલીસે તેને રોકીને પુછપરછ કરી હતી. તેણે પોતાનું નામ હર્ષિત ચૌધરી (રહે. અજીતનગર, જિ. ભરતપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. સાથેસાથે તેણે પોતાની ઓળખ આર્મીના નિવૃત જવાન તરીકે આપી હતી.
જો કે પોલીસને આધાર કાર્ડ પર શંકા જતા તેનો સામાન તપાસવામાં આવ્યો હતો. જેમાં તેની પાસેથી તેનું અસલી આધાર કાર્ડ મળી આવ્યું હતું. આ કાર્ડમાં તેનુ સાચુ નામ મોહંમદ મુસ્તાકઅલી (રહે.મૌલાના આઝાદનગર, અલીગઢ) હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક પુછપરછમાં તેણે કબુલ્યુ હતું કે આર્મીના નામે લોકો વિશ્વાસ કરે તે માટે હર્ષિત ચૌધરીનું નામ ધારણ કરીને નકલી આધાર કાર્ડ તૈયાર કર્યું હતું. રેલવે પોલીસે તેની શંકાસ્પદ હરકતના અનુસંધાનમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.