બેઝબોલ સ્ટીક કે ડંડા સાથે પકડાતા લોકો સામે ગુનો નહી નોંધવા આદેશ
અમદાવાદ પોલીસ કમિશનરનો મહત્વનો નિર્ણય
વ્યક્તિની હરકત શંકાસ્પદ જણાય તો પોલીસ સીઆરપીસીની કલમ ૧૫૧ મુજબ ગુનો નોંધી શકશેઃ હાઇકોર્ટના અવલોકન બાદ પોલીસની કામગીરી
અમદાવાદ,
સોમવાર
અગાઉ પોલીસને વાહન ચેકિંગ કે અન્ય તપાસ દરમિયાન બેઝબોલ સ્ટીક, હોકી અને ડંડા મળી આવતા હતા ત્યારે ગુજરાત પોલીસ એક્ટ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવતી હતી. પરંતુ, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ મામલે મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં તપાસ દરમિયાન બેઝબોલ સ્ટીક કે હોકી મળી આવે તો ગુનો નહી નોંધવા માટે સુચના આપી છે. પરંતુ, જે વ્યક્તિ પાસેથી મળી આવે તેની હરકત શંકાસ્પદ જણાય આવે તો સીઆરપીસીની કલમ ૧૫૧ મુજબ ગુનો નોંધી શકાશે. જો કે તલવાર કે અન્ય ધારદાર હથિયાર મળી આવે તો ગુનો નોંધાશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટના અવલોકન બાદ આ મામલે પોલીસ કમિશનર જી એસ મલિકે તાકીદથી આ બાબતનો અમલ શરૂ કર્યો છે. પોલીસે કોઇ વ્યક્તિ પાસેથી બેઝબોલ સ્ટીક જપ્ત કરીને ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધવા બાબતે તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજી અનુસંધાનમાં મહત્વનું અવલોકન કરવામાં આવ્યું હતું કે કોઇ પાસે સ્ટીક મળી આવવાથી તે વ્યક્તિ ગુનેગાર થઇ જતો નથી કે તેના વિરૂદ્વ જી પી એક્ટની કલમ હેઠળ ગુનો નોધી શકાય. હાઇકોર્ટના આ અવલોકન બાદ અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હથિયારો રાખવા અંગે પ્રતિબંધ મુકતા જાહેરનામામાં સુધારો કરવામાં આવ્યો છે. અગાઉના હથિયાર પ્રતિબંધિત જાહેરનામામાં ડંડા, બેઝબોલ, લાકડી, તલવાર, અઢી ઇંચથી લાબી ધારદાર છરી, કે અન્ય તિક્ષણ હથિયારનો સમાવેશ થતો હતો. પરંતુ, હવે આ જાહેરનામામાં હવે ડંડા, બેઝબોલ, લાકડીને સમાવેશ નહી થાય . જેથી હવે પોલીસને વાહન ચેકિંગ કે તપાસ દરમિયાન કોઇ ડંડા, બેઝબોલ, લાકડી મળી આવે તો ગુનો નોંધવામાં નહી આવે. પરંતુ, જે વ્યક્તિ પાસેથી આ ચીજ વસ્તુઓ મળી આવે તેની હરકત શંકાસ્પદ હોય તો ક્રિમીનલ પ્રોસીસર કોડની કલમ ૧૫૧ હેઠળ ગુનો નોંધી શકાશે. આમ હથિયાર સંબધિત જાહેરનામાનો અમલ શરૂ કરવા અમદાવાદ શહેરના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવી છે.