Get The App

૫૦ હજારનું ધિરાણ વસુલ્યા બાદ સાડા ચાર લાખની ઉઘરાણી કાઢી

માથાભારે વ્યાજથખોર સામે વધુ એક ફરિયાદ

ધિરાણની સામે કોરા ચેક લઇને બેંકમાં જમા કરાવીને ખોટા કેસ કરાવવાની ધમકી આપી ઃ વાડજ પોલીસે કાર્યવાહી કરી

Updated: Aug 17th, 2024

GS TEAM


Google News
Google News
૫૦ હજારનું ધિરાણ વસુલ્યા બાદ સાડા ચાર લાખની ઉઘરાણી કાઢી 1 - image

અમદાવાદ,શનિવાર

અમદાવાદમાં પોલીસ દ્વારા વ્યાજખોરો સામે  કાર્યવાહી કરવા માટે વિશેષ ડ્રાઇવ શરૃ કરી છે. જે હેઠળ અનેક ફરિયાદો નોંધવામાં આવી છે. જે અંતર્ગત વાડજ પોલીેસે માથાભારે વ્યાજખોર વિરૃદ્ધ એક ફરિયાદ નોંધી છે. જેમાં તેણે એક સિનિયર સિટીઝનને ૫૦ હજારનુ ધિરાણ આપીને ૮૩ હજાર વસુલ્યા હતા. તેમ છતાંય, તેમની પાસે સાડા ચાર લાખની ઉઘરાણી કાઢી હતી.  આ અગે વાડજ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. શહેરના આશ્રમ રોડ પર આવેલા જલ વિહાર એપાર્ટમેન્ટમાં રહેતા ૬૧ વર્ષીય  પ્રદિપ શાહ શિક્ષક તરીકે નિવૃત થયા હતા. વર્ષ ૨૦૨૦માં તેમને મેડીકલ ટ્રીટમેન્ટ માટે ૫૦ હજાર રૃપિયાની જરૃર હતી. જેથી તેમણે  વિરમ દેસાઇ (રહે.વિરલ એપાર્ટમેન્ટ, ભાઇકાકાનગર, થલતેજ)  પાસેથી ૫૦ હજાર ઉછીના લીધા હતા. જેની સામે તેણે એક કોરા ચેકમાં સહી  કરાવી હતી. બાદમાં ૫૦ હજારના ધિરાણની સામે પાંચ હજાર મુડી અને ત્રણ હજાર વ્યાજના મળીને કુલ આઠ હજાર રૃપિયા કાપીને ૪૨ હજાર આપ્યા હતા. ત્યારબાદ પ્રદિપભાઇએ કુલ ૮૩ હજારની રકમ વ્યાજ સાથે ચુકવીને સિક્યોરીટી પેટે આપેલો કોરો ચેક પરત માંગ્યો હતો.  પરંતુ, વિરમ દેસાઇએ ચેક પરત આપવાની ના કહીને સાડા ચાર લાખ રૃપિયા બાકી હોવાનું કહીને ધમકી આપી હતી કે જો સાડા ચાર લાખ રૃપિયા આપશો તો જ ચેક પરત આપીશ નહીતર ચેક બેંકમાં જમા કરાવીને ખોટો કેસ કરી દઇશ. આમ, વિરમ દેસાઇએ દાદાગીરી કરતા પ્રદિપભાઇએ આ અંગે વાડજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Tags :