રથયાત્રામાં ત્રણ હજાર જેટલા જવાનો બોડીવોર્ન કેમેરાથી કંટ્રોેલ રૂમમાં કનેક્ટ રહેશે
રથયાત્રા રૂટ પર મેગા રૂટ રિહર્સલ કરાયું
મોબાઇલ સર્વલન્સ માટે પાંચ કેમેરા યુનિટ પણ રખાશેઃ રથયાત્રામાં ૧૦૦ જેટલા ટ્રક સહિત ૧૫૦ જેટલા વાહનોનો કાફલો રહેશેઃ પોલીસ સ્ટાફ સ્ટેન્ડ ટુ કરવામાં આવ્યો
અમદાવાદ,શનિવાર
અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રાને લઇને અમદાવાદ શહેર પોલીસે લોંખડી બંદોબસ્ત ગોઠવ્યો છે. જે અંતર્ગત શનિવારે ુપોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રથયાત્રાના રૂટ પર મેગા રિહર્સલ કરીને બંંદોબસ્તની સમીક્ષા કરી હતી. સાથે સાથે આ વર્ષે રથયાત્રા સંવેદનશીલ પોઇન્ટ પર સર્વેલન્સ કરવા માટે પાંચ પોર્ટેબલ પોઇન્ટનો પણ ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત, ૩૦૦૦ જેટલા પોલીસ સ્ટાફને બોડીવોર્ન કેમેરા સાથે તૈનાત રહેશે અને આ કેમેરાની લાઇવ ફીડ અમદાવાદ અને ગાધીનગર સ્થિતિ કંટ્રોલ રૂમથી પણ જોઇ શકાશે. પોલીસે આ ઉપરાંત, ૧૦ હજારથી વધારે માથાભારે તત્વો સામે અકટાયતી કાર્યવાહી કરી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાનમાં અમદાવાદમાં પોલીસ, પેરા મિલેટરી ફોર્સ સહિતના ૪૦ હજાર જેટલા સ્ટાફનો બંંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૬ રથયાત્રાનો બંદોબસ્ત ગુજરાતનો સૌથી મોટો પોલીસ બંદોબસ્ત ગણાય છે. આ બદોબસ્તમાં ગુજરાતના અન્ય જિલ્લાઓથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ બોલાવાવમાં આવે છે. સાથેસાથે અમદાવાદ પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને વાવાઝોડા બિપરજોય પસાર થયા બાદની સ્થિતિ શાંત થતા બહારથી આવતા અધિકારીઓએ શુક્રવારે રિપોર્ટીંગ કર્યું હતું. જે બાદ શનિવારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર પ્રેમવીરસિંહ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મેગા રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે રથયાત્રા રૂટના બંદોબસ્તની સમીક્ષા કરી હતી. સાથાસાથે કેટલાંક સુચનો પણ કર્યા હતા.
આ અગે વધુ માહિતી આપતા સેક્ટર-૧ના એડીશનલ પોલીસ કમિશનર નિરજ બડગુર્જરે જણાવ્યું હતું કે રથયાત્રા બંદોબસ્ત અનુસંધાને પોલીસ સ્ટાફને તેમના પોઇન્ટ પર ડયુટી સોંપી દેવામાં આવી છે. સાથેસાથે મોહલ્લા સભા પણ કરવામાં આવી રહી છે અને સ્થાનિક સ્વંયસેવકોની મદદ પણ લેવામાં આવી રહી છે. ખાસ કરીને જગન્નાથ મંદિરમાંં અને રથયાત્રામાં આવતા લોકો ભાવિકોને તેમની સાથે કોઇ બેગ ન લાવવા માટે ખાસ સુચના આપવામાં આવી છે. રથયાત્રાના રૂટ પરના તમામ સીસીટીવી પોલીસ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા છે. આ ઉપરાંત, રથયાત્રામાં હાજર ત્રણ હજાર જેટલા પોલીસ સ્ટાફ બોડીવોર્ન કેમેરાથી સજ્જ રહેશે. આ બોડી વોર્ન કેમેરા પોલીસ કંટ્રોલ રૂમ અમદાવાદ અને ગાંધીનગર સાથે જોડાયેલા રહેશે. જેથી જીણવટભરી નજર રાખી શકાશે. પોલીસ યાત્રાના રૂટ પર ૨૫ જેટલા વોચ ટાવર પણ તૈયાર કર્યા છે અને ત્રણ ડ્રોનની મદદથી રૂટ પર સર્વેલન્સ કરવામાં આવશે. આ રથયાત્રામાં પ્રથમવાર મોબાઇલ સર્વેલન્સ માટે પાંચ પોર્ટેબલ પોલ પણ તૈયાર કરાયા છે. જે મંદિરથી લઇને કેટલાંક સ્થળોએ મુકવામાં આવશે. રથયાત્રા રૂટની આસપાસમાં રહેલા વાહનોમાં ક્યુ આર કોડ પણ લગાવવામાં આવ્યા છે. જે સ્કેન કરવાની સાથે વાહનના માલિકનું નામ, સરનામુ અને અન્ય વિગતો પણ જાણી શકાશે અને રથયાત્રામાં રૂટ પર લાઇવ ટ્રેકિંગની વપણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ સાત જન સહાય કેન્દ્ર તૈયાર કરાયા છે. જ્યાંથી કોઇ ખોવાયેલી વ્યક્તિની કે અન્ય સ્થિતિ અંગે માહિતી મેળવી શકાશે. આ ઉપરાંત, પોલીસ દ્વારા સોશિયલ મિડીયા પર પણ વોચ રાખવામાં આવી રહી છે. જેમાં વાંધાનજક પોસ્ટ મુકનાર વિરૂદ્વ કાર્યવાહી કરવામાં આવશે.