આતંક ફેલાવનાર માથાભારે અલ્તાફ બાસીને ક્રાઇમબ્રાંચે સુરતથી ઝડપી લીધો
દાદાગીરી અને આતંક મચાવીને મકાન પચાવી પાડવાનું કહી લોકોમાં ભય ફેલાવ્યો હતો
ગોમતીપુર ચારતોડા કબ્રસ્તાન પાસે પાંચ દિવસ પહેલા મકાન અને દુકાનમાં હથિયારો સાથે ઘુસીને તોડફોડ કરીને અનેક લોકોને માર માર્યો હતો
અમદાવાદ,બુધવાર
ગોમતીપુર ચારતોડા કબ્રસ્તાન તેમજ અન્ય સ્થળે જમીન અને મકાન પચાવી પાડવાના ઇરાદે માથાભારે અલ્તાફ બાસી તેના સાગરિતો સાથે આવ્યો હતો. જેમાં તેણે ઘરનો સામાન બહાર ફેંકીને કેટલાંક લોકોને માર માર્યો હતો. તેમજ દુકાનમાં ઘુસીને મોટાપાયે તોડફોડ કરી હતી. આ સંદર્ભમાં અલતાફ વિરૂદ્વ ત્રણ અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા હતા. આ બનાવ બાદ અલ્તાફ નાસી ગયો હતો. આ બનાવને ગંભીરતાથી લઇને પોલીસ કમિશનરે ક્રાઇમબ્રાંચને કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી. જેના આધારે અસ્તાફ બાસીને સુરતથી ઝડપી લેવામાં આવ્યો હતો. જે અંગે વધુ પુછપરછ શરૂ કરવામાં આવી છે. ગોમતીપુર ચારતોડા કબ્રસ્તાન પાસે ગત ૧૦મી મેના રોજ માથાભારે અલ્તાફ બાસી (રહે. રખિયાલ) તેના બે ભત્રીજા સહિત ચાર લોકોેને હથિયાર સાથે લઇને આવ્યો હતો. જેમાં તેણે ચારતોડા કબ્રસ્તાનમાં રહેતા મોહસીનઅલી અંસારી અને તેના પાડોશમાં રહેતા અન્ય લોકોના મકાન પચાવી પડાવી લેવાના ઇરાદે બધાને ઘર ખાલી કરવાની ધમકી આપી હતી. જેથી ડરીને લોકોએ પોતાના ઘર બંધ કરી દીધા હતા. ત્યારબાદ અલ્તાફ બાસીએ મોહસીનઅલીને ઘરના દરવાજા તોડીને પ્રવેશ કરીને ઘરનો સામાન બહાર ફેંકવાની સાથે તોડફોડ કરી હતી. આ સમયે તેનો પ્રતિકાર કરવા જતા મોહસીનઅલી, મહિલાઓ સહિત પાંચ લોકોને હોકી, બેઝબોલની સ્ટીક અને પાઇપથી માર મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. સાથેસાથે તમામને ધમકી આપી હતી કે જો મકાન ખાલી નહી કરો તો તમામના હાલ આવા જ થશે. ત્યારબાદ ચારતોડા કબ્રસ્તાન પાસે આવેલી દુકાનમાં જઇને અકબરઅલી શેખ નામના ૬૩ વર્ષીય વ્યક્તિને ધમકી આપી હતી કે ચારતોડા કબ્રસ્તાનની બાબતમાં વચ્ચે પડશો તો જોવા જેવી થશે. તેમ કહીને દુકાનમાં તોડફોડ કરીને રોકડ અને મોબાઇલને લુૂંટ કરીને માર માર્યો હતો. આ ઉપરાંત, અન્ય ફરિયાદ તેના વિરૂદ્વ નોંધાઇ હતી. આ સમગ્ર બનાવને લઇને સ્થાનિક પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા હતા અને પોલીસ કમિશનર જી એસ મલિક સુધી રજૂઆત કરવામાં આવી હતી. જેના આધારે ક્રાઇમબ્રાંચને તાત્કાલિક પગલા ભરવાની સુચના આપવામાં આવતા બાતમીને આધારે પોલીસે અલ્તાફ બાસીની ધરપકડ કરવામાં આવી હતી.