અમદાવાદમાં વધુ 162 લોકો કોરોનામાં સપડાયા, ચારનાં મૃત્યુ
- પશ્ચિમ વિસ્તારોમાં વધી રહેલા કેસોથી ચિંતાની સ્થિતિ
- લક્ષણો હોવા છતાં રેપિડ ટેસ્ટ નેગેટિવ આવશે તો મ્યુનિ. દ્વારા ગરીબ દર્દીઓને રૂ. 4200નો HRCT ચેસ્ટ ટેસ્ટ ફ્રી કરી અપાશે
અમદાવાદ, તા. 25 જુલાઇ, 2020, શનિવાર
અમદાવાદમાં આંકડામાં થોડી ચડઉતર વચ્ચે કોરોનાનો કેર યથાવત રહેવા પામ્યો છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં કોરોનાના નવા 162 કેસ નોંધાયા છે, જ્યારે સારવાર દરમ્યાન ચાર દર્દીઓના સરકારીની યાદી મુજબ મૃત્યુ થયા છે.
બીજી તરફ સાજા થયેલાં 149 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે મ્યુનિ.ની હદમાં અત્યાર સુધીમાં કુલ દર્દીઓની સંખ્યાની 24013ની થઈ ગઈ છે, તેમજ મૃત્યુઆંક 1531 ના આંકડાને આંબી ગયો છે.
દરમ્યાનમાં કોરોનાના કેસો શહેરના તમામ વિસ્તારોમાં વધતા જાય છે. પશ્ચિમ ઝોનના પાલડી, નવરંગપુરા, નારણપુરા, સ્ટેડિયમ, વાસણા, નવાવાડજ, રાણીપ, સાબરમતી અને નવા પશ્ચિમ ઝોનના સેટેલાઇટ, બોડકદેવ, થલતેજ, ગોતા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, વેજલપુર, મકતમપુરા, સરખેજ તેમજ નવા ભળેલા બોપલ-ઘુમામાં કેસો મોટી સંખ્યામાં હોવાનું જણાય છે.
માઇક્રો કન્ટેન્મેન્ટની સંખ્યા વધતી જાય છે, તે બાબત પણ સ્થિતિ હજુ પણ પુરેપુરી નિયંત્રણમાં નહીં હોવાની શાખ પુરે છે. હાલ 3148 એકટિવ કેસો દર્શાવવામાં આવી રહ્યાં છે તેમાંથી 1510 તો માત્ર પશ્ચિમના જુદા જુદા વિસ્તારોના જ છે.
દરમ્યાનમાં હાલ મ્યુનિ. દ્વારા મોટા પ્રમાણમાં રેપિડ-એન્ટીજન ટેસ્ટ થઇ રહ્યાં છે. જેના નેગેટિવ રિપોર્ટને શંકાની નજરે જોવામાં આવે છે. દરમ્યાનમાં મ્યુનિ.એ સચોટ નિદાન માટે વધુ એક પગલું લીધું છે.
કોરોનાના દેખિતા લક્ષણો હોવા છતાં રેપિડ ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ આવે તો ખાનગી ડાયોગ્નોસ્ટીક સેન્ટરમાં ગરીબ દર્દી એચઆરસીટી ચેસ્ટ (થોરેકસ) નામનો 4200નો ટેસ્ટ એક પ્રકારનો એક્સ-રે મ્યુનિ.ના અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરના પ્રિસ્ક્રિપ્શન પર કરાવી શકશે. આ ટેસ્ટનો 97 ટકા જેટલો ભરોસાપાત્ર ગણવામાં આવે છે.
માઇલ્ડ ચિહનોવાળા દર્દીનું પ્રારંભિક તબક્કે જ સચોટ નિદાન થશે તો તે મોડરેટ કે સિવિયર ગંભીર સ્ટેજમાં જતા બચાવી શકાશે તેમ માનવામાં આવે છે. આ ટેસ્ટ કરવા માટે ઇનફોકસ ડાયોગ્નોસ્ટીકની નવરંગપુરા, આંબાવાડી અને બાપુનગરની શાખાને પસંદ કરવામાં આવી છે. જો કે આશ્ચર્યજનક બાબત એ છે કે આ બાબતની વિધીવત જાહેરાત કરવાથી હેલ્થ ખાતુ બચી રહ્યું છે.
કયા ઝોનમાં કેટલાં એકટિવ કેસ ?
મધ્યઝોન |
290 |
ઉત્તર ઝોન |
452 |
દક્ષિણ પશ્ચિમ ઝોન |
484 |
પશ્ચિમ ઝોન |
552 |
ઉત્તર પશ્ચિમ ઝોન |
474 |
પૂર્વઝોન |
477 |
દક્ષિણઝોન |
419 |
કુલ |
3148 |
રૂપિયા 2500ના બદલે 4200નો ટેસ્ટ શા માટે ?
રેપિડ- એન્જિન ટેસ્ટ કોરોનાના લક્ષણો હોવા છતાં નેગેટિવ આવે તો આરી-પીસીઆર ટેસ્ટ સરકારે નક્કી રેલા ભાવ મુજબ રૂ. 2000 થી 2500માં થઇ શકે છે. તો પછી એચઆરસીટી ચેસ્ટ જે રૂ. 4200માં થાય છે, તે શા માટે સવાલ ઉભો થાય છે. આ સવાલનો જવાબ આપવા મ્યુનિ. તંત્રમાંથી કોઇ તૈયાર થતું નથી.