Get The App

અમદાવાદમાં એક્ટિવ કેસ ૩૯૮, પાંચ દિવસમાં બમણો વધારો

-કોરોનામાં અમદાવાદ ફરી 'હોટ સ્પોટ'

-એસવીપીમાં ૧૭, ખાનગી હોસ્પિટલમાં ૧૩, સિવિલમાં ચાર દર્દી સારવાર હેઠળ

Updated: Dec 28th, 2021

GS TEAM

Google News
Google News

અમદાવાદ,સોમવાર

ગુજરાતમાંથી વિશેષ કરીને અમદાવાદ કોરોનામાં ફરી 'હોટ સ્પોટ' બની રહ્યું છે. અમદાવાદમાં હાલ કુલ ૩૯૮ એક્ટિવ કેસ છે. ૨૩ ડિસેમ્બરના અમદાવાદમાં ૧૯૮ એક્ટિવ કેસ હતા. આમ, પાંચ દિવસમાં જ એક્ટિવ કેસમાં બમણો વધારો નોંધાયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી કોરોનાના મોટાભાગના નવા કેસ જોધપુર, ઘાટલોડિયા, ચાંદલોડિયા, મણિનગર, બોડકદેવ, પાલડી, ગોતા, નારણપુરા વિસ્તારમાંથી સામે આવ્યા છે. હાલ એસવીપી હોસ્પિટલમાં કોરોનાના ૧૭ દર્દી સારવાર હેઠળ છે. આ પૈકી ચાર દર્દી ઓમિક્રોનના છે. ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દી ૧૩ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક વરિષ્ઠ અધિકારી પણ કોરોના સંક્રમણમાં સપડાઇ ચૂક્યા છે.

અમદાવાદમાં ખાસ કરીને છેલ્લા પાંચ દિવસથી કોરોના વિસ્ફોટ થયો છે. છેલ્લા પાંચ દિવસમાં જ કોરોનાના ૨૮૮ નવા કેસ સામે આવી ચૂક્યા છે. ૧૨ જુલાઇ બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક સૌથી વધુ ૩૯૮ થયો છે. અમદાવાદમાં વધુ ૩ વિસ્તારને માઇક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. આમ, અમદાવાદમાં કુલ માઇક્રો કન્ટેઈન્મેન્ટ હવે વધીને ૭ થઇ ગયા છે. 

 

અમદાવાદમાં નવા ૩ માઇક્રો કન્ટેઈનમેન્ટ  વિસ્તાર

અમદાવાદમાં વધુ ૩ વિસ્તારને માઇક્રો કન્ટેઈનમેન્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. જેમાં વિજય ચાર રસ્તા પાસે આવેલી ગુરુ સાંદિપની સોસાયટીના ઘર નંબર ૭ થી ૯, ગોતાના ડિવાઇન હાઇલેન્ડ બંગલોના ડી ૧૮-ડી ૧૯-ડી ૨૦, ચાંદલોડિયાના ગોદરેજ ગાર્ડન સિટીમાં ઈડનના પ્રથમ માળના વી બ્લોકનો સમાવેશ થાય છે. આ ત્રણેય નવા વિસ્તારમાં કુલ ૮ ઘરમાં ૧૭ વ્યક્તિ માઇક્રો કન્ટેઈનમેન્ટ હેઠળ છે. હવે ૨૮ ડિસેમ્બરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશનના હેલ્થ વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનિંગ કામગીરી હાથ ધરાશે.