એમ.એસ.યુનિ.ના કેલેન્ડર બાદ હવે ડાયરી પણ વિવાદમાં, અધ્યાપકો-કર્મચારીઓના નામ અને નંબરોની બાદબાકી

Updated: Jan 25th, 2023

વડોદરા,તા.25 જાન્યુઆરી 2023,ગુરુવાર

એમ.એસ.યુનિવર્સિટીના કેલેન્ડર બાદ હવે ડાયરીને લઈને પણ વિવાદ સર્જાયો છે.

નવા વર્ષના કેલેન્ડરના પહેલા પેજ પર વાઈસ ચાન્સેલરના ફોટાને લઈને સેનેટ સભ્યોએ વિરોધ કર્યો હતો હવે 2023ના વર્ષની ડાયરીમાંથી સત્તાધીશોએ અધ્યાપકો તેમજ કર્મચારીઓના નામ અને કોન્ટેક્ટ નંબરની બાદબાકી કરી નાંખી છે.

સામાન્ય રીતે યુનિવર્સિટીની ડાયરીમાં દરેક ફેકલ્ટીના વિભાગીય વડા, જે તે વિભાગના અધ્યાપકો તેમજ કર્મચારીઓના નામ અને સંપર્ક નંબરો પણ પ્રકાશિત થતા હોય છે.2023ની ડાયરીમાં ચાન્સેલર, વાઈસ ચાન્સેલર, રજિસ્ટ્રાર, સેનેટ અને સિન્ડિકેટ સભ્યો, યુનિવર્સિટીના અધિકારીઓ અને વિવિધ ફેકલ્ટીના ડીનના જ નામનો અને કોન્ટેક્ટ નંબરનો ઉલ્લેખ થયેલો છે.અધ્યાપકો અને કર્મચારીઓના નામ અને નંબરની પહેલી વખત બાદબાકી કરી નાંખવામાં આવી છે.

જોકે યુનિવર્સિટીના પીઆરઓનુ કહેવુ છે કે, ડાયરીમાં ક્યૂઆર કોડ આપવામાં આવ્યા છે અને તેને સ્કેન કરવાથી દરેક ફેકલ્ટીના કર્મચારીઓ અને અધ્યાપકોની જાણકારી ઉપલબ્ધ થાય છે. નવી ટેકનોલોજીનો ડાયરીમાં પહેલી વખત ઉપયોગ કરાયો છે. તેના કારણે ડાયરીનુ કદ પણ પ્રમાણસર રાખવામાં આવ્યુ છે.

જોકે તેની સામે યુનિવર્સિટી વર્તુળોમાં સવાલ પૂછાઈ રહ્યો છે કે, દર વર્ષે ડાયરીમાં જ્યારે અધ્યાપકો અને કર્મચારીઓના નામ પ્રસિધ્ધ થતા હોય છે ત્યારે આ જ વર્ષે આ પ્રકારનો નિર્ણય લેવાની કેમ જરુરી પડી?

    Sports

    RECENT NEWS