Get The App

યુવતીને ગર્ભવતી બનાવી દઇને પ્રેમી બીજી યુવતી સાથે પલાયન થઇ ગયો

Updated: May 4th, 2025

GS TEAM

Google News
Google News
યુવતીને ગર્ભવતી બનાવી દઇને પ્રેમી બીજી યુવતી સાથે પલાયન થઇ ગયો 1 - image

યુવા પેઢી સામે લાલ બતી ધરતો કિસ્સો

મહારાષ્ટ્રની યુવતીનો સંસાર બે વર્ષ ચાલ્યો : પ્રેમ નિભાવવા માટે ખાનગી કંપનીમાં પ્રમી સાથે મજુરીએ લાગી ગઇ હતી

ગાંધીનગર :  આજની યુવા પેઢી સામે લાલ બતી ધરતા કિસ્સામાં ઘર પરિવાર છોડીને પ્રેમી સાથે મહારાષ્ટ્રથી ગાંધીનગર આવેલી યુવતીએ પ્રેમ નિભાવવા માટે પ્રેમી સાથે મજુરી કરવાનું પણ શરૃ કર્યુ હતું. બે વર્ષના સાંસારિક જીવન બાદ આ યુવતી ગર્ભવતી બની હતી. પરંતુ પ્રેમી યુવાન તેને તરછોડીને બીજી યુવતી સાથે પલાયન થઇ ગયો હતો. આખરે અભયમ દ્વારા યુવતીને આશ્રયગૃહમાં ખસેડાઇ હતી.

ગાંધીનગરના કલોલ તાલુકામાં ખાત્રજ જીઆઇડીસી વિસ્તારમાં નિરાધાર અને અસહાય સ્થિતિમાં મુકાઇ ગયેલી મહારાષ્ટ્રની યુવતી દ્વારા અભયમ હેલ્પ લાઇન ૧૮૧ પર મદદ માંગવામાં આવી હતી. તેણે અભયમ ટીમ સમક્ષ જે વ્યથા ઠાલવી તે પ્રમાણે એક યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાયા પછી તેણે પ્રેમી સાથે સહજીવન વિતાવવા ઘર પરિવારનો ત્યાગ કર્યો હતો. તેની સાથે નારાજ પરિવારે તેની સાથેના સંબંધોનો અંત લાવી દીધો હતો. બન્ને પ્રેમી હૈયા ગાંધીનગર આવ્યા હતાં. પ્રેમલગ્ન કર્યા હતાં. ઘર ચલાવવા માટે યુવતીએ પ્રેમી યુવક સાથે ખભે ખભો મિલાવીને છત્રાલ જીઆઇડીસીમાં સ્થિત ફેક્ટરીમાં મજુરી કામ કરવાનું શરૃ કર્યુ હતું. આ દરમિયાન તે ગર્ભવતી બની હતી.

જોકે દોઢ વર્ષના સહજીવન અને યુવતી ગર્ભવતી બન્યા પછી પ્રેમીના લક્ષણો બદલાયા હતાં. પરંતુ સૌ સારાવાના થવાની આશા યુવતીએ છોડી ન હતી. જોકે આખરે પ્રેમી અન્ય યુવતીને લઇને નાશી છુટતાં આ યુવતી લાચાર સ્થિતિમાં મુકાઇ હતી. ફેક્ટરીના અન્ય કામદારા પરિવારોના ઘરે આશરો લીધો હતો. પરંતુ બાદમાં તેઓએ પણ હાથ ઉંચા કરી દેતા અભયમનો સંપર્ક કર્યો હતો. યુવતીએ પોલીસ ફરિયાદ કરવાનો ઇન્કાર કરતાં આખરે તેને આશ્રયગૃહમાં ખસેડવામાં આવી હતી.