હાર્દિક પટેલની નિમણૂક બાદ કોંગ્રેસમાં હોદ્દા માટે દોડ જામી
- હોદ્દા અપાવવા માટે ધારાસભ્યોનું ય લોબિંગ
- પેટાચૂંટણી પહેલાં પ્રદેશ-જિલ્લા માળખાને નવો ઓપ આપવા તૈયારી, યુવા ચહેરાને સંગઠનમાં સ્થાન
અમદાવાદ, તા. 12 જુલાઇ, 2020, રવિવાર
પેટાચૂંટણીને પગલે કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખાને નવો ઓપ આપવાની દિશામાં કવાયત થરૂ કરી છે. પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે હવે પ્રદેશ-જિલ્લાના માળખામાં હોદ્દા મેળવવા જાણે દોડ જામી છે.ખુદ ધારાસભ્યો પણ પોતાના અંગત વ્યક્તિઓને હોદ્દા અપાવવાની વેતરણમા પડયાં છે.
ગુજરાતમાં આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાનાર છે.હજુ પેટાચૂંટણી જાહેર થઇ નથી પણ ભાજપ-કોંગ્રેસે ચૂંટણી લડવા રાજકીય વાઘા સજાવી લીધા છે. સૂત્રોના મતે, પેટાચૂંટણી પહેલાં હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશના માળખામાં નિયુક્તિ આપવા નક્કી કર્યુ છે.
પ્રદેશના માળખામાં તબક્કાવાર નિમણૂંકો આપવામાં આવશે. એટલું જ નહી,યુવા ચહેરાને સંગઠનમાં તક અપાશે. ટૂંકમાં કોંગ્રેસ હવે સંગઠનને વધુ મજબૂત કરવા પર ભાર મૂકી રહી છે.
જોકે, ગત વખતે પણ છેક હાઇકમાન્ડ સુધી એવી ફરિયાદો પહોંચી હતીકે, માત્ર રાજકીય ભલામણના જોરે સંગઠનમાં હોદ્દા મેળવનારાં ચૂંટણીમાં કે સંગઠનના કાર્યક્રમમાં દેખાતા ય નથી. સંગઠનમાં પાયાના કાર્યકરોની અવગણના થઇ રહી છે.
આ જોતાં સંગઠનને વધુ મજબુત કરવાની દિશામાં કોંગ્રેસે તૈયારી કરી છે. આ ઉપરાંત હાર્દિક પટેલની નિયુક્તિ બાદ હજુ ત્રણ કાર્યકારી પ્રમુખની પણ નિમણૂંક કરવામાં આવે તેવી શક્યતા છે. ગત વખતની જેમ આ વખતે પણ ચાર કાર્યકારી પ્રમુખ નિમવામાં આવશે.
પ્રદેશના માળખા ઉપરાંત જિલ્લા-તાલુકામાં હોદ્દા આપીને કોંગ્રેસી કાર્યકરોને પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કામે લગાડવા આયોજન કરાયુ છે. ધારાસભ્યો પણ પોતાના અંગત માણસોને હોદ્દા અપાવવા સક્રિય થયા છે. જોકે, આ વખતે પ્રદેશનું માળખું જમ્બો નહી હોય.મર્યાદિત સંખ્યામાં ય પ્રદેશના માળખામાં સમાવેશ કરાશે.