પરિણીત પ્રેમીઓનો ઝંડ ગામ પાસે ઝેરી દવા પીને આપઘાત
-બે પરિવારો રઝડયાઃ ત્રણ સંતાનો બાપ વગરના અને બે સંતાનો માતા વિહોણા થયા
બોડેલી તા.24 જૂન 2019 સાેમવાર
બોડેલી તાલુકાના ઝંડ ગામે પરિણીત પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી લઈ જીવન ટુંકાવી દેતા બંનેની લાશ પાસેથી પોલીસને તેઓ આત્મહત્યા કરતા હોવાનો કાગળ મળી આવ્યો હતો. બોડેલી પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોડેલી તાલુકાના ઝંડ ગામે સફેદ કલરની અલ્ટો ગાડીમાં એક સ્ત્રીને પુરૃષની બંનેએ ઝેરી દવા પીધેલી હાલતમાં લાશો પડેલી હતી. અને બાજુમાં દવાની ખાલી બોટલ અને આત્મહત્યા કરી હોવાની ચિઠ્ઠી હતી.
ગામ સરપંચને જાણ થતા બોડેલી પોલીસને જણાવતો પોલીસે સ્થળ પર આવી તપાસ કરી હતી. પુરૃષનું નામ ભરતભાઈ સોમાભાઈ (વસાવા) ઉ.વ.૪૨ જેઓ પરિણીત છે અને સંતાનમાં ત્રણ બાળકો છે અને મહિલાનું નામ ઉર્નિલાબેન વસાવા (ઉ.વ.૪૦) પણ પરિણીત છે. અને સંતાનમાં બે બાળકો છે. અને ભરતભાઈ અને ઉર્મિલાબેન વાઘોડિયા તાલુકાના મછલીપુરા ગામે બાલ મંદિર સામેના ફળિયામાં સામસામે રહેતા હતા. અને બંને વચ્ચે પ્રેમ થયો હતો.
જેની જાણ થોડાક દિવસ અગાઉ ભરતભાઈની પત્ની અરૃણાબેનને થઈ હતી. જેને લઈ અરૃણા બેને અને ઉર્મિલાબેન વચ્ચે રકઝક થતા ઉર્મિલાબેન પોતાના પિયર આણંદ ચાલ્યા ગયા હતા.
ગઇકાલે ભરતભાઈએ નોકરી ઉપરથી બપોરે ૨.૩૦ કલાકે રજા લીધી હતી. ઉર્મિલાબેન આણંદથી બપોરે ૧.૩૦ વાગ્યે નિકળ્યા હતા. ત્યારબાદ ભરતભાઈ અને ઉર્મિલાબેનની લાશ ઝંડ ગામેથી મળી આવી હતી. બોડેલી પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
-ઘરના ત્રાસથી કંટાળી હું આપઘાત કરૂ છું
બોડેલી
ભરતભાઈએ ઝેરી દવા પીતા પહેલાં લખેલી ચિઠ્ઠીમાં જણાવ્યું છે. હું ભરતભાઈ વસાવા મારા હોશોહવાસમાં આ લખાણ લખું છું. કે મારા ઘરવાળાથી કંટાળીને અને મને રોજ બરોજના માનસિક ત્રાસથી કંટાળીને આજથી મારા જીવનનો અંત લાવું છુ અને હુ આત્મહત્યા કરવા મજબુર થઈ ગયો છે. આવું લખેલી ચિટ્વી ભરતભાઈની લાશ પાસેથી મળી આવી હતી.