Gujarat

એપ્રિલ મહિનામાં શૈક્ષણિક સત્ર શરુ કરવાના નિર્ણયથી ધો.૯માં પ્રવેશની સમસ્યા સર્જાશે

By GS Team
6 Feb 20202 mins read
This article was originally published on 6 Feb 2020
એપ્રિલ મહિનામાં શૈક્ષણિક સત્ર શરુ કરવાના નિર્ણયથી ધો.૯માં પ્રવેશની સમસ્યા સર્જાશે

વડોદરા,તા.6.ફેબ્રુઆરી,ગુરુવાર,2020

રાજ્ય સરકારે સેન્ટ્રલ બોર્ડની પેટર્ન અનુસાર ગુજરાતની તમામ શાળાઓમાં એપ્રિલ મહિનાથી શૈક્ષણિક વર્ષ ચાલુ કરવાનો નિર્ણય તો લઈ લીધો છે પણ સ્કૂલ સંચાલકો, આચાર્યો અને શિક્ષકો તેના કારણે ઊભા થનારા પડકારોને કેવી રીતે પહોંચી વળવુ તેની મથામણમાં પડેલા છે.

શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા વર્તુળોના કહેવા પ્રમાણે ધો.૮માંથી પાસ થઈને ધો.૯માં જનારા વિદ્યાર્થીઓના પ્રવેશની ગંભીર સમસ્યા આ વર્ષે સર્જાઈ શકે છે.વડોદરા શહેરની જ વાત કરવામાં આવે તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ધો.૮ પાસ કરીને દર વર્ષે ૩૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ અન્ય સ્કૂલોમાં ધો.૯માં પ્રવેશ મેળવે છે.કારણકે શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ધો.૮ સુધીનુ જ શિક્ષણ ઉપલબ્ધ છે.આ ઉપરાંત બીજી ઘણી એવી ખાનગી સ્કૂલો છે જ્યાં માત્ર ધો.૮ સુધી જ ભણાવાય છે.આ સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે પણ બીજી સ્કૂલમાં પ્રવેશ લેવાની મુશ્કેલી ઉભી થશે.

સામાન્ય રીતે ધો.૮ની પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવાયા બાદ મે મહિનામાં વિદ્યાર્થીઓને પરિણામ અપાતુ હોય છે.જ્યારે આ વખતે સ્કૂલોમાં નવુ શૈક્ષણિક વર્ષ ૨૦ એપ્રિલથી શરુ કરવાની જાહેરાત થઈ છે.આ સંજોગોમાં પરિણામ વગર આ વિદ્યાર્થીઓને બીજી સ્કૂલો કેવી રીતે પ્રવેશ આપશે તે એક સવાલ છે.આ જ રીતે ધો.૧૦ના વિદ્યાર્થીઓને પણ ધો.૧૧માં અન્ય કોઈ સ્કૂલમાં પ્રવેશ લેવો હશે તો તેમના માટે પણ આ પ્રકારની સમસ્યા સર્જાશે.

સ્કૂલો માટે પણ પોતાની સ્કૂલ સિવાયના અન્ય સ્કૂલોના વિદ્યાર્થીઓને ધો.૯ અને ધો.૧૧માં પ્રવેશ આપવાની કાર્યવાહી કેવી રીતે તે પ્રશ્ન મૂંઝવી રહ્યો છે.એક સ્કૂલના આચાર્યનુ કહેવુ હતુ કે, આ માટે અમે  ડીઈઓ કે શિક્ષણ વિભાગનુ માર્ગદર્શન માંગીશું.