પોલીસની ભીંસ વધતા ઉમેશ શહેર છોડી દેતો હતો
વર્ષ 2016થી વાહન ચોરી અને ચેઈન સ્નેચિંગ કરતા આરોપીએ પાંચ મહિનામાં 18 ગુના આચર્યા
અમદાવાદ : અમદાવાદ, બેંગ્લોર અને હૈદ્રાબાદમાં વાહનચોરી અને ચેઈન સ્નેચિંગના 18 ગુના આચરનાર ઉમેશ ખટીક નામના આરોપીને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડયો છે. પોલીસની ભીંસ વધતા શહેર છોડી જવાની ટેવ ધરાવતો ઉમેશ ખટીક ત્રણ રાજ્યોમાં ગુના આચરી આંતરરાજ્ય સ્નેચર બની ગયો છે.
ક્રાઈમ બ્રાન્ચે ભીમજીપુરા સર્કલ પાસેથી ચાંદલોડિયાના સોનાલી પાર્ક અને નારણપુરાના લખુડી તલાવડી સોસાયટીમાં રહેતા ઉમેશ ગુલાબભાઈ ખટીકને ઝડપી પાડયો છે. ઉમેશ ખટીક અમદાવાદમાં અનેક ચેઈન સ્નેચિંગ અને વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો.
ઉમેશની પૂછપરછમાં એવી વિગતો ખુલી છે કે, ઓગષ્ટ 2021માં જેલમાંથી છૂટયા પછી નારોલમાંથી એક્ટિવા ચોર્યું હતું. આ પછી આનંદનગર, સરખેજ, શાહીબાગ, આનંદનગર વિસ્તારમાં સોનાની ચેઈનો તોડી હતી. પોલીસને પોતાની સક્રિયતાની જાણ થતાં ઉમેશ અમદાવાદ છોડીને બેંગ્લોર જતો રહ્યો હતો.
બેગ્લોરમાં જુદી જુદી ત્રણ જગ્યાએ ચેઈન સ્નેચિંગ કરી ત્યાંથી પણ ભાગી છૂટયો હતો. જાન્યુઆરી - 2022માં હૈદ્રાબાદ પહોંચેલા ઉમેશે એક્ટિવાની ચોરી કરી હૈદ્રાબાદમાં જુદી જુદી સાત જગ્યાએ ચેઈન લૂંટી હતી. અમદાવાદમાં છ પોલીસ સ્ટેશ ઉપરાંત હૈદ્રાબાદ અને બેંગ્લોરમાં મળી કુલ 18 જગ્યાએ વાહનચોરી અને ચેઈન સ્નેચિંગ કરી ચૂકેલા ઉમેશને અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશન પછી હૈદ્રાબાદ અને બેંગલોર પોલીસને સોંપવામાં આવશે.


