ચોરીનો આરોપી કોરોના પોઝિટિવ આવતા સયાજીમાં દાખલ
સયાજીના આઇસોલેશન વોર્ડમાં ચાર દર્દીઓ સારવાર હેઠળ : ૨૪ કલાકમાં કોરોનાના નવા પાંચ કેસ
વડોદરા,વાડી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.જ્યારે શહેરમાં ચોવીસ કલાક દરમિયાન કોરોનાના નવા પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે.જ્યારે સયાજીમાં હાલમાં સ્વાઇન ફ્લૂના ત્રણ દર્દી સારવાર હેઠળ છે.જ્યારે એચ થ્રી એન ટુ નો એકપણ દર્દી હાલમાં દાખલ નથી.
કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ - અલગ વિસ્તારમાં રહેતા ૩૩૮ લોકોના સેમ્પલ કોરોના ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા.જે પૈકી પાંચના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨૮ છે.જે પૈકી ૨૫ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.જ્યારે ત્રણ દર્દીઓ ઓક્સિજનના સપોર્ટ પર હોસ્પિટલમાં દાખલ છે.જ્યારે શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૨૦ લોકોને ક્વોરન્ટાઇન કરાયા છે.વધુમાં વાડી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાયેલા ૨૨ વર્ષના આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સયાજીમાં દાખલ કરાયો છે.
સયાજી હોસ્પિટલમાં ચોવીક કલાક દરમિયાન એચ એન એન વન અને એચ થ્રી એન ટુ ના નવા એકપણ દર્દી નોંધાયા નથી.હાલમાં ચાર દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ દાખલ છે.