હાઇવે પર ઉભી રહેતી ટ્રકોમાંથી ડિઝલ ચોરી કરતો આરોપી પકડાયો
ત્રણ કારબામાં ભરેલું ૮૮ લીટર ડિઝલ કબજે કરતી પોલીસ

વડોદરા,હાઇવે પર ઉભી રહેતી ટ્રકોમાંથી ડિઝલની ચોરી કરતા આરોપીને બાપોદ પોલીસે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડયો હતો.પોલીસે તેની પાસેથી ડિઝલ ભરેલા ત્રણ કારબા કબજે કર્યા છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,ગઇકાલે બાપોદ પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન પી.એસ.આઇ.વાય.એચ.પઢિયારે મળેલી માહિતીના આધારે ડિઝલ ભરેલા ત્રણ કારબા સાથે મોહંમદ મુસ્તકીમ અમરૃદ્દીન શેખ (રહે.ચાચા નેહરૃનગર,આજવારોડ) ને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડયો હતો.પોલીસે તેની પાસેથી ૮૮ લીટર ડિઝલ કિંમત રૃપિયા ૭,૭૪૪ નું કબજે લીધું હતું.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે,આરોપી હાઇવે પર ઉભી રહેતી ટ્રકોમાંથી ડિઝલની ચોરી કરતો હતો.આરોપી કેટલા સમયથી ડિઝલની ચોરી કરતો હતો ? કોને ડિઝલ વેચતો હતો ?આ ગુનામાં અન્ય કોઇ આરોપી સામેલ છે કે કેમ ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

