યુ ટ્યુબ ચેનલનો ઈમેલ આઈડી અને પાસવર્ડ હેક કરીને છેતરપિંડી કરનારો ઝડપાયો
ગુજરાતી આલ્બમમાં કામ કરતા શખ્સે એકાઊન્ટમાં 51 હજાર મેળવી લીધા
અમદાવાદ 14 સપ્ટેમ્બર 2018 શુક્રવાર
રામોલમાં રહેતા એક પ્રોડયુસરની યુ ટયુબ ચેનલ શ્યામ ઓડિયોનો ઈમેલ આઈડી અને પાસવર્ડ હેક કરીને છેતરપિંડી કરનારા શખ્સની સાયબર ક્રાઈમ સેલએ ધરપકડ કરી છે. ગુજરાતી આલ્બમ અને ફિલ્મમાં કામ કરતા આરોપીએ બેન્કના ખાતાની વિગતો બદલીને રૃ. ૫૧,૦૦૦ પોતાના એકાઊન્ટમાં મેળવી લીધા હતા.
આ બનાવની વિગત મુજબ રામોલમાં રહેતા રાજુભાઈ ભરવાડ (૪૦) ગુજરાતી આલ્બમના પ્રોડયુસર તરીકે કામ કરે છે. તેમણે તેમના ઈમેલ આઈડી દ્વારા યુ ટયુબ ચેનલ ન્યુ શ્યામ ઓડિયો ઓફિસીયલ નામની ચેનલ બનાવી હતી. જેમાં તેમણે બનાવેલા ગુજરાતી આલ્બમ અપલોડ કરતા હતા. જેમાં એક હજાર સબસ્કાઈબર્સ થતા તેનાથી આવક વધે તે માટે યુ ટયુબ તેમને એક પીન નંબર મળ્યો હતો. જેનાથી તેમણે તેમની યુ ટયુબ ચેનલ ખોલીને આ પીન નંબર નાંખ્યો હતો. જેમાં તેમના ખાતામાં ૨૧ મે ૨૦૧૮ નાં રોજ રૃ. ૩૭,૦૦૦ જમા થયા હતા.
દરમિયાન રાજુભાઈએ નવુ આલ્બમ અપલોડ કરવા પ્રયાસ કરતા ચેનલ ખુલી ન હતી અને ચેનલ કોઈે હેક કરી હોવાનું જણાતા તેમણે સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી.
જેને આધારે પોલીસે તપાસ હાથ ધરીને બોટાદથી રોહીત નરસીભાઈ કળથીયા(૨૧) ની ધરપકડ કરી હતી. બી.સી.એ.સુધી ભણેલા રોહીતે અગાઊ આવાજ ઈન્ડીયા ચેનલમાં ક્રાઈમ કવરેજ થથા ક્રાઈમ પોઈન્ટ પ્રોગ્રામમાં એક્ટીંગનું કામ કર્યું હતું. ગુજરાતી ફિલ્મમાં એક્ટીગ કરતા રોહીતેની ધ ગેસ્ટ નામની ફિલ્મ રિલીઝ થવાની બાકી છે.
તેસિવાય યુ ટયુબ પર તેની ત્રણ ચેનલ ચાલે છે. જોકે એક ચેનલમાં વિડીયો ક્વોલીટી સારી ન હોવાથી યુ ટયુબે તે બંધ કરી હતી.
રોહીતે આર્થિક લાભ મેળવવા રાજુભાઈની ચેનલ ટ્રેક કરી પોતાનો ઈમેલ આઈડી નાંખ્યો હતો. બાદમાં ચેનલ પરના રાજુભાઈના બેન્ક એકાઊન્ટની વિગતો બદલીને પોતાના બેન્ક એકાઊન્ટની વિગતો નાંખી દીધી હતી. જેમાં યુ ટયુબ પાસેથી મળેલા રૃ. ૮૦૦ ડોલર (રૃ. ૫૧,૦૦૦) પોતાના એકાઊન્ટમાં મેળવીને છેતરપિંડી કરી હતી.
આરોપીએ આ પ્રકારે અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તેની અમે તપાસ કરી રહ્યા છીએ, એમ સાયબર ક્રાઈમના પી.આઈ.જ.એસ.ગેડમે જણાવ્યું હતું.