ગોધરા કાંડના આરોપી સલીમ જર્દા એક વર્ષથી વડોદરાની જેલમાં કોલ સેન્ટર ચલાવતો હતો
વડોદરા,તા.11 જાન્યુઆરી,2020,શનિવાર
વડોદરાની જેલમાં સમાંતર કોલ સેન્ટર ચલાવવાના કાંડમાં સલીમ જર્દા સહિતના કેદીઓની તપાસ દરમિયાન સલીમ જર્દાને જેલમાં ફોન પહોંચાડનાર ગોધરાના એક મુલાકાતીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,વડોદરા સેન્ટ્રલ જેલમાં મળી આવેલા મોબાઇલ ફોનના પ્રકરણમાં હવાલદાર સમીઉલ્લાહ પઠાણે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગોધરા કાંડના આરોપી સલીમ જર્દા,સાજીદ અરબ અને તૌફિકમિયા મલેક સામે ગુનો નોંધ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આ મોબાઇલ ગોધરાથી આવેલા સોએબ અબ્દુલ રજાક સમોલ (રહે.મુસ્લિમ સોસાયટી,વેજલપુર,ગોધરા)એ પહોંચાડયો હોવાની વિગતો ખૂલતાં પીઆઇ જે જે પટેલની સૂચના મુજબ ટીમે ગોધરામાં તપાસ કરી સોએબની ધરપકડ કરી છે.
પોલીસે મોબાઇલ ફોનને જેલમાં લઇ જનાર અને તેના ઉપર બહાર ફોન કરનારા કેદીઓની પણ તપાસ શરૃ કરી છે.નોંધનીય છે કે,થોડા સમય પહેલાં જ પોલીસે જેલમાંથી કાર્યરત ૨૪ સીમકાર્ડ રદ કરવા માટે જિઓ કંપનીને જાણ કરી છે.