વડોદરા : મિત્રને ગભરાવવા ઓડીની સ્પીડ વધારી અને અકસ્માત સર્જયો
વડોદરા, તા. 2 જૂલાઈ 2019, મંગળવાર
મોડી રાતે પાંખી અવર જવર વચ્ચે સૂમસાન રસ્તાઓ પર કેટલાક લોકો મજાક મસ્તી કરવા માટે પણ બેફામ ઝડપે કાર હંકારતા હોય છે.ક્યારેક આ પ્રકારનુ ડ્રાઈવિંગ મોંઘુ પડી જતુ હોય છે.
આવો એક કિસ્સો સોમવારે મોડી રાતે શહેરના અકોટા-દાંડિયા બજાર રોડ પર બન્યો હતો.૧૧૦ કિમી પ્રતિ કલાક કરતા પણ વધારે સ્પીડે જઈ રહેલી ઓડી કાર ડિવાઈડર પર અથડાઈ હતી.જેમાં બેઠેલા યુનિવર્સિટીના ચાર પૂર્વ વિદ્યાર્થી નેતાઓને સાધારણ ઈજા પહોંચી હતી.
મળતી વિગતો પ્રમાણે એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતાઓ જતીન ઉર્ફે ટાીગર, અઝીમ, રોનક અને અન્ય એક પૂર્વ નેતાનો ભાઈ વિશાલ સોમવારની મોડી રાતે ઓડી કાર લઈને આઈસક્રીમ ખાવા માટે ફતેગંજ ગયા હતા.જ્યાંથી તેઓ અકોટાથી દાંડિયાબજાર તરફ આવી રહ્યા હતા.કાર વિશાલ ડ્રાઈવ કરી રહ્યો હતો અને તેની બાજુમાં જતીન ઉર્ફે ટાઈગર બેઠો હતો.ટાઈગરને કારની ઝડપ વધારે લાગતા તે ડર્યો હતો.તેણે વિશાલને સ્પીડ ઓછી કરવા કહ્યુ હતુ.ટાઈગરની વાત માનવાની જગ્યાએ ઉલટાનુ કાર ચલાવતા આ યુવકે સ્પીડ વધારી હતી.અને કાર આડી અવળી ચલાવવાનુ શરુ કર્યુ હતુ.
અકોટા દાંડિયા બજાર બ્રિજ ક્રોસ કર્યો ત્યારે કારની ઝડપ ૧૧૦ કિમીની ઉપર પહોંચી ગઈ હતી.મજાક મસ્તી કરવામાં વિશાલે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર રોડની સાઈડ પરના ડિવાઈડર સાથે અથડાઈ હતી.જોકે કારની એરબેગ ખુલી જતા વિશાલ અને ટાઈગરને તો નજીવી ઈજા થઈ હતી પણ પાછળ બેઠેલા બીજા બે યુવકો પૈકી અઝીમ નામના યુવકને ચહેરાના ભાગે વાગતા સંખ્યાબંધ ટાંકા લેવા પડયા હતા.અન્ય એક યુવાનને પણ સાધારણ ઈજા પહોંચી હતી.