Get The App

રિવરફ્રન્ટ પર બે કાર વચ્ચે અકસ્માત, 3 જણા ઘાયલ

- પૂર્વના કિનારે દૂધેશ્વરથી ગાંધીબ્રિજ વચ્ચે અકસ્માત સર્જાયો

- એક કાર ઉંધી વળી ગઇ, બીજી કારનો પણ કચ્ચરઘાણ નીકળ્યો, કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો

Updated: Jun 9th, 2022

GS TEAM


Google News
Google News

અમદાવાદ,તા.09 જુન 2022, ગુરૂવારરિવરફ્રન્ટ પર બે કાર વચ્ચે અકસ્માત, 3 જણા ઘાયલ 1 - image

સાબરમતી રિવરફ્રન્ટ ઉપર પૂર્વની બાજુમાં દૂધેશ્વરથી ગાંધીબ્રિજની વચ્ચે ગુરૂવારે બપોરે દોઢેક વાગ્યે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે કાર ટકરાઇ જતા કારમાં સવાર ત્રણ લોકોને ઇજા થઇ હોવાનું  ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ જણાવ્યું હતું. ઇમરજન્સી સેવા ૧૦૮ની મદદથી એક ઘાયલને ગંભીર હાલતમાં રાજસ્થાન હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યારે બે ઘાયલોની હાલત વધુ નાજુક જણાતા લોકોએ ખાનગી વાહનોમાં તેઓને સારવાર અર્થે ખસેડયા હતા.

રિવરફ્રન્ટ પરના રોડ પર ઓવરસ્પીડમાં જતા વાહનોના કારણે વારંવાર અકસ્માત સર્જાતા હોય છે. આવો જ એક અકસ્માત ગુરૂવારે બપોરે દોઢેક વાગ્યાના સુમારે રિવરફ્રન્ટના પૂર્વના કિનારા પર દૂધેશ્વરબ્રિજથી ગાંધીબ્રિજ વચ્ચેના રોડ પર સર્જાયો હતો.

જેમાં બે કારો એકમેકને ટકરાઇ ગઇ હતી. અકસ્માતના પગલે એક કાર ઉંઘી વળી ગઇ હતી. બીજી કારનો ડ્રાઇવર સાઇડનો આખો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવના પગલે ટ્રાફિકજામ થઇ જવા પામ્યો હતો. અન્ય વાહનચાલકોએ વાહનો રોકીને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા.

આ અંગે ઇમરજન્સી સેવા ૧૦૮ના અધિકારીના જણાવ્યા મુજબ તેઓને ઘટનાની જાણ થતા એમ્બ્યુલન્સ મોકલી અપાઇ હતી. આ અકસ્માતમાં કુલ ૩ જણા ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ બે જણાની હાલત ગંભીર જણાઇ આવતા લોકોએ ખાનગી વાહનમાં તેઓને સારવાર માટે રવાના કરી દીધા હતા. ૧૦૮ની મદદથી એક ઘાયલને રાજસ્થાન હોસ્પિટલમાં ખસેડાયો હતો. 

બનાવને પગલે પોલીસ પણ દોડી આવી હતી. કલાકો સુધી ટ્રાફિકજામની સમસ્યા રહેતા આખા રોડ પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.

Tags :