રોંગ સાઇડ આવતી કારે એક્ટીવા ચાલકને ફંગોળ્યો
ભાગી છૂટેલા કારચાલકની શોધખોળ
વડોદરા,તા,5,સપ્ટેમ્બર,2020,શનિવાર
નોકરીથી છૂટીને એક્ટીવા પર ઘરે જતા યુવકને તરસાલી બ્રિજ પાસે સામેથી રોંગસાઇડે આવતા કારચાલકે અડફેટમાં લીધા હતાં. ભાગી છૂટેલા કારચાલકની મકરપુરા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
દંતેશ્વર સંતોષવાડી રોડ પર નીલકંઠપાર્ક સોસાયટીમાં રહેતો રાહુલ દેવસીંગભાઇ રાઠવા પોરની ટર્બાઇન કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. ગઇકાલે સાંજે પાંચ વાગ્યે નોકરીથી છૂટીને રાહુલ એક્ટીવા લઇને ઘરે આવતો હતો. તરસાલી બ્રિજ પાસેથી જતા રાહુલને સામેથી રોંગસાઇડ આવેલી કારના ચાલકે ટક્કર મારતા રાહુલ રોડ પર ફંગોળાયો હતો, દરમિયાન રાહુલ સામે નોકરી કરતા સહકર્મચારીઓ આવી જતાં તેમને રાહુલને ઉભો કરી રોડની બાજુમાં બેસાડયો હતો. રાહુલને આંખના ઉપરના ભાગે મોઢા તથા હાથ પર ઇજાઓ થઇ હોય તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો.
મકરપુરા પોલીસે રાહુલની ફરિયાદના આધારે ગુનો નોંધી ભાગી છૂટેલા કારના ડ્રાયવરને પકડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.