For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ૮૦૦ કરોડના કૌભાંડમાં ધરપકડ

ચેરમેનના કાર્યકાળ દરમિયાન અનેક કૌભાંડ આચર્યાં

વિપુલ ચૌધરીના પત્ની અને પુત્ર વિરૂધ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો

Updated: Sep 15th, 2022

Article Content Imageઅમદાવાદ

મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની તેમના ડેરીના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા રૂપિયા ૮૦૦ કરોડના કૌભાંડના અનુસંધાનમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ સાથે તેમનાં પત્ની ગીતા ચૌધરી, પુત્ર પવન  અને ચાર્ટડ એકાઉન્ટન્ટ શૈલેષ પરીખ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.  એસીબીએ વિપુલ ચૌધરી સાથે તેમના સીએની પણ ધરપકડ કરી છે. એસીબીએ દાખલ કરેલી ફરિયાદ મુજબ કૌભાંડના નાણાંની ઉચાપત કરવા માટે વિપુલ ચૌધરીએ ૩૧ જેટલી ડમી કંપનીઓ બનાવી હતી. જેમાં તમામ નાણાં ખોટી એન્ટ્રી બતાવીને ટ્રાન્સફર કરાયાં હતા.  આ કેસની તપાસમાં  દૂધસાગર ડેરી સાથે સંકળાયેલા અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવી શકે તેવી શક્યતા છે.

વિપુલ ચૌધરીના પત્ની અને પુત્ર વિરૂધ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો  કૌભાંડના નાણાંનું સેટલમેન્ટ કરવા માટે ૩૧ ડમી કંપનીઓ બનાવી

એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ દુધસાગર ડેરીમાં થયેલા ભ્રષ્ટાચારના ગુનામાં બુધવારે મોડી રાત્રે  ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ગાંધીનગર ખાતે તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી હતી. જે  કેસ અંગે એસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર મકંરદ ચૌહાણે જણાવ્યું કે વિપુલ ચૌધરી વર્ષ ૨૦૦૫થી વર્ષ ૨૦૧૬ સુધી  દૂધસાગર ડેરીના ચેરમેન પદે હતા તે દરમિયાન તેમણે સત્તાનો દુરપયોગ કરીને રૂપિયા ૮૦૦ કરોડના નાણાંકીય કૌભાંડ આચર્યા હતા. જે અનુસંધાનમાં મહેસાણા એસીબી ખાતે વિપુલ ચૌધરી, તેમના પત્ની ગીતાબેન ચૌધરી, પુત્ર પવન ચૌધરી અને ચાર્ટડ એકાઉન્ટન્ટ શૈલેષ પરીખ વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ સમગ્ર કૌભાંડ ૮૦૦ કરોડ રૂપિયાનું છે. તેમણે સત્તાનો ગેરઉપયોગ કરીને ટેન્ડરની પ્રક્રિયા કર્યા વિના જ મોટા પ્રમાણમાં બટર મિલ્ક કૂલરની ખરીદી કરી હતી. સાથે તેમણે ડેરીના અધિકારીઓની પરવાનગી વિના જ ઊંચા રેટ આપનાર એજન્સીને કામ આપીને અંગત આર્થિક ફાયદો લીધો હતો. આ રીતે સાગરદાણ ભરવાની બોરી ઉંચી કિંમતે ખરીદીને સંઘને લાખોનું નુકશાન કરાવ્યું હતું. તેમના ભ્રષ્ટાચાર સાથે વિરૂધ્ધ મનીલોન્ડરિંગનો ગુનોે પણ આરોપીઓ વિરૂધ્ધ નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસ માટે શુક્રવારે તેમને મહેસાણા કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. એસીબીની સાથે આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ પૂછપરછ કરી શકે છે. આ કેસની તપાસ માટે એસીબીએ એક વિશેષ ટીમ પણ  તૈયાર કરી છે.

 

કઇ રીતે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું?

વિપુલ ચૌધરીના કાર્યકાળ દરમિયાન જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા સ્પેશીયલ ઓડિટ કરવા માટે જાણ કરવામાં આવી હતી. પરંતુ, વિપુલ ચૌધરીએ ચેરમેન તરીકે ઓડિટ કરાવવાની ના પાડી હતી. જેથી જિલ્લા રજીસ્ટ્રારે ઓડીટ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં વર્ષ ૨૦૧૮માં અરજી કરી હતી. જેથી ગુજરાત હાઇકોર્ટે સ્પેશિયલ ઓડિટ નો હુકમ કરતા બે ટીમ બનાવવામાં આવી હતી.જેની તપાસમાં  બંને ટીમને કુલ ૧૪-૧૪ કૌભાંડ આચર્યાનું જાણવા મળ્યું હતું. જેના આધારે સરકાર તરફે વકીલની નિમણૂંક કરીને તપાસ કરવામાં આવતા મની લોન્ડરિંગ સહિતના કુલ દસ જેટલા ક્રિમિનલ ગુના પણ બનતા હોવાનું ખુલ્યું હતું. જે રિપોર્ટ તૈયાર કરીને ગૃહ વિભાગને અને બાદમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં સોંપવામાં આવ્યો હતો. જે રિપોર્ટમાં પ્રાથમિક ૮૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું.

 પત્ની અને પુત્ર સહિત સગાંનાં નામે ૩૧ ડમી કંપનીઓ ખોલવામાં આવી

 ડેરીમાં આચરવામાં આવેલા કૌભાંડને લઇને આપવામાં આવેલા રિપોર્ટમાં ચૌંકાવનારી વિગતો બહાર આવી હતી કે વિપુલ ચૌધરીએ દુધસાગર ડેરીના ભ્રષ્ટ્રાચારના નાણાંની ઉચાપત કરવા માટે ૩૧ જેટલી ડમી કંપનીઓ બનાવી હતી. જેને રજીસ્ટર કરાવી હતી. આ કંપનીઓમાં ડાયરેક્ટર તરીકે તેમના પત્ની ગીતાબેન અને પુત્ર પવન સહિતના કેટલાંક લોકોને ડમી ડાયરેક્ટર બનાવીને કૌભાંડના નાણાં ખોટી એન્ટ્રી કરીને ડમી કંપનીમાં ટ્રાન્સફર કરીને બારોબાર ઉઠાવી લીધા હતા.  એસીબીએ તમામ  ૩૧ ડમી કંપનીના દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.

 દૂધસાગર ડેેરીના અન્ય લોકોની સંડોવણીની શક્યતા

૮૦૦ કરોડ રૂપિયાનું  કૌભાંડ દૂધસાગર ડેરીના અન્ય સત્તાધીશો કે અધિકારીઓની સંડોવણી વિના શક્ય નથી. જેથી એસીબીની તપાસમાં દૂધસાગર  ડેરી અધિકારીઓની સંડોવણી બહાર આવવાની શક્યતા છે.

 

આગોતરા જામીન  અરજી દાખલ કરે તે પહેલાં જ રાત્રે એસીબીએ દરોડો પાડયો

એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણા એસીબીમાં ગુનો નોંધાયાની જાણ વિપુલ ચૌધરીને બુધવારે મોડી સાંજે થઇ હતી. જેથી તે ગુરૂવારે આગોતરા જામીન અરજી મૂકી શકે તેવી પુરેપુરી શક્યતા હોવાને કારણે એસીબીએ મધરાત્રે વિપુલ ચૌધરી અને તેમના સીએને ઝડપી લીધા હતા


Gujarat