હોસ્ટેલના રોલ કોલમાં ગેરહાજર વિદ્યાર્થિનીને શોધવા મધરાતે સત્તાધીશોની દોડધામ
વડોદરા,તા.12.ફેબ્રુઆરી,બુધવાર,2020
એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રોલ કોલ દરમિયાન ગેરહાજર વિદ્યાર્થિનીને શોધવા માટે હોસ્ટેલ સત્તાધીશોએ મધરાતે દોડધામ કરી મુકી હતી.
મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘનો યૂથ ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો ત્યારે રવિવારે રાતે રોલ વખતે ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થિની ગેરહાજર હોવાનુ વોર્ડનના ધ્યાનમાં આવ્યુ હતુ.
ગર્લ્સ હોસ્ટેલના નિયમ પ્રમાણે રાતના સમયે રોલ કોલ વખતે તમામ વિદ્યાર્થિનીઓએ હાજર રહેવુ ફરજિયાત છે.રોલ કોલ બાદ વિશેષ કારણ સીવાય હોસ્ટેલની બહાર જવાની મંજૂરી અપાતી નથી.આ વિદ્યાર્થિની ગેરહાજર હોવાનુ ધ્યાનમાં આવ્યા બાદ હોસ્ટેલના વોર્ડન ચિંતામાં પડી ગયા હતા.આ વિદ્યાર્થિનીનો મોબાઈલ પણ બંધ હતો.એ પછી વોર્ડને સાથે જોવા મળતી બીજી વિદ્યાર્થિનીઓની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમાં ખબર પડી હતી કે, તે તેના કોઈ મિત્રના ફ્લેટ પર છે.
વોર્ડન અને વિજિલન્સ સ્કવોડના સભ્યોએ જાણવા મળેલા સરનામે તપાસ કરતા વિદ્યાર્થિની ત્યાંથી મળી આવી હતી.વિદ્યાર્થિનીને હોસ્ટેલમાં લાવવામાં આવ્યા બાદ વોર્ડને તેના માતા પિતાને જાણ કરી હતી.ચીફ વોર્ડન ડો.વિજય પરમારે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, હોસ્ટેલમાં નક્કી કરેલા સમય સુધીમાં વિદ્યાર્થિનીઓએ પાછા આવી જવુ ફરજિયાત છે.વિદ્યાર્થિનીઓની સલામતીની ચિંતા હોવાથી જ અમે તેની તપાસ માટે દોડધામ કરી હતી.અન્ય ગર્લ્સમાં દાખલો બેસે તે માટે વિદ્યાર્થિનીનુ હોસ્ટેલનુ એડમિશન રદ કરી દેવાયુ છે.આ બાબતે તેની માતાને પણ બોલાવીને જાણકારી આપવામાં આવી છે.