For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અભય ભારદ્વાજ-રમીલાબહેન બારા, નરહરિ અમીને ફોર્મ ભર્યું

- ભાજપે છેલ્લી ઘડીએ પાટીદાર કાર્ડ ખેલ્યું

- ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિએ ફોર્મ ભરતાં ચૂંટણી રસાકસીભરી બની રહેશે, હોર્સટ્રેડિંગની પ્રબળ શક્યતા

Updated: Mar 14th, 2020

Article Content Image

આયોજન પંચના ઉપાધ્યક્ષપદેથી નરહરિ અમીને રાજીનામું આપ્યું, કમલમમાં ત્રણેય ઉમેદવારોને શુભેચ્છા અપાઇ

અમદાવાદ, તા.13 માર્ચ, 2020, શુક્રવાર

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપે બે ઉમેદવારોના નામ સત્તાવાર રીતે ઘોષિત કર્યા હતાં. જોકે,છેલ્લી ઘડીએ ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને ચૂંટણી મેદાને ઉતારી પાટીદાર કાર્ડ ખેલ્યુ હતું.

આ જોતાં રાજ્યસભાની ચૂંટણી ખુબ જ રસાકસીભરી બની રહેશે. ભાજપના ત્રણેય ઉમેદવાર અભય ભારદ્વાજ,રમિલાબેન બારા અને નરહરિ અમીને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપના નેતાઓની ઉપસિૃથતીમાં ફોર્મ ભર્યુ હતું.

ભાજપે ત્રીજો ઉમેદવાર ઉભો રાખતા હવે હોર્સ ટ્રેડિંગની શક્યતા પ્રબળ બની છે. ગુજરાતમાં રાજ્યસભાની ભાજપની ત્રણ અને કોંગ્રેસની એક બેઠક ખાલી થઇ છે. ધારાસભ્યોના અંકગણિતને જોતાં કોંગ્રેસને એક બેઠકનો ફાયદો થાય તેમ છે.

આમ છતાંય ભાજપે તોડજોડની રાજનીતિનો સંકેત આપીને છેલ્લી ઘડીએ પાટીદાર કાર્ડ ખેલી નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાને ઉભા રાખવા નક્કી કર્યુ હતું. કોંગ્રેસમાં પાટીદાર ધારાસભ્યોએ રાજ્યસભાની ટિકીટ પાટીદારને આપવા માંગ કરી હતી પણ કોંગ્રેસ હાઇકમાન્ડે ક્ષત્રિય અને ઓબીસી ચહેરા તરીકે શક્તિસિંહ ગોહિલ અને ભરત સોલંકીની પસંદગી કરી હતી

જેથી પાટીદાર ધારાસભ્યોની નારાજગીનો લાભ લેવા ભાજપે નરહરિ અમીન પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.  આયોજ્ન પંચના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામુ આપી નરહરિ અમીન સીધા કમલમ પહોંચ્યા હતાં.  આ તરફ,ફોર્મ ભરે તે પહેલાં અભય ભારદ્વાજ,રમિલાબેન બારા અને નરહરિ અમીન કમલમ પહોંચ્યા હતાં જયાં પ્રદેશના નેતા-કાર્યકરોએ ત્રણેય ઉમેદવારોને શુભેચ્છા આપી હતી.

બીજી તરફ, બપોરે 11 વાગ્યાથી વિધાનસભા સંકુલમાં ભાજપના સમર્થકો પહોંચ્યા હતાં.ભારત માતાકી જય અને વંદે માતરમના સૂત્રોથી વિધાનસભા સંકુલ ગાજ્યું હતું. બપોરે પોણા બે વાગે રિટર્નીગ ઓફિસર સી.બી.પંડયા સમક્ષ ત્રણેય ઉમેદવારોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીઓની ઉપસિૃથતીમાં ફોર્મ ભર્યુ હતું.

ફોર્મ ભર્યા બાદ મુખ્યમંત્રીએ ત્રણેય ઉમેદવારો જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.  જોકે, ભાજપે  ત્રીજો ઉમેદવાર ઉભો રાખતા રાજ્યસભાની ચૂંટણી વખતે હોર્સ ટ્રેડિંગ થવાની પ્રબળ શક્યતા રહેલી છે. આ જોતાં કોંગ્રેસ માટે પણ ધારાસભ્યોને એકજૂટ રાખવા એક પડકાર બન્યો છે.

ધારાસભ્ય કાંધલ જાડેજાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી

આ વખતે ભાજપને ત્રીજી બેઠક જાળવવી હોય તો કુલ સાત મતોની જરૂર છે.આ જોતાં ભાજપે સૌથી પહેલાં બીટીપી અને એનસીપીના મતો અંકે કરવા રાજકીય સોગઠાબાજી ગોઠવી દીધી છે. ગત વખતે ય એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપને જ મત આપ્યો હતો. આ વખતે ય એનસીપીનો મત ભાજપને મળી શકે છે.

આજે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા હતાં તે જ વખતે ધારાસભ્ય કાંધલ જાડેજાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. આ જોતાં લાગી રહ્યુ છેકે, એનસીપીનો એક ભાજપને ફાળે ચોક્કસ પણે જશે. જો એનસીપીના વડા શંકરસિંહ વાઘેલા પક્ષનો વ્હિપ આપશે તો ય તે અનાદર કરીને ભાજપને મત આપે તેવી શક્યતા જોવાઇ રહી છે

અહેમદ પટેલથી રીસાયેલા બીટીપીના ધારાસભ્ય પણ ભાજપને મત આપશે

ગત વખતે રાજ્યસભાની ચૂંટણી ખૂબ જ રસાકસીભરી બની રહી હતી .તે વખતે કાંટે કી ટક્કર થઇ હતી અને બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવાના એક માત્ર મતથી કોંગ્રેસના અહેમદ પટેલ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

બીટીપીએ કોંગ્રેસ પર આટલો રાજકીય ઉપકાર કર્યો હોવા છતાંય લોકસભાની ચૂંટણીમા કોંગ્રેસે બીટીપીને ટિકીટ આપવાનુ વચન પાળ્યુ ન હતું અને કોંગ્રેસનો જ ઉમેદવાર ચૂંટણી મેદાને ઉભો રાખ્યો હતો. આ રાજકીય મતભેદને કારણે બીટીપી આ વખતે કોંગ્રેસ સાથે રાજકીય બદલો લેવાના મૂડમાં છે પરિણામે બીટીપીના બંને ધારાસભ્યો છોટુ વસાવા અને મહેશ વસાવા ભાજપને મત આપી શકે છે.

Gujarat