પોલીસ મથકે બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ
માતાજીની માંડવીમાં આડા અવળા ગરબા રમવા બાબતે ઠપકો આપ્યા બાદ ઝઘડો થયો
માતર તાલુકાના પાડી કોસીયલ ગામે માંડવી ચોકમાં વેરાઈ માતાની માંડવી હોવાથી બુધવારે રાત્રે ફળિયા સહિત ગામની મહિલાઓ, છોકરાઓ ગરબા રમતા હતા. પ્રકાશ નગરના ગરબા રમવા આવેલા છોકરાઓ આડા અવળા ગરબા રમતા હોવાથી નિકુંજભાઈ ગોહેલ તથા મેહુલભાઈ ગોહેલે કૂદાકૂદ કર્યા વગર લાઈનમાં ગરબા રમવાનું કહ્યું હતું. જેથી અજય જયંતીભાઈ પરમાર તેમજ રાહુલભાઈ બાબુભાઈ ચૌહાણ અપશબ્દો બોલવા લાગ્યા હતા જેને લઇ ઝઘડો થયો હતો.
જેમાં અજય જયંતી પરમાર તેમજ રાહુલભાઈ બાબુભાઈ ચૌહાણે મેહુલ પ્રહલાદભાઈ ગોહિલ સાથે ઝપાઝપીક થઈ હતી. જેમાં મેહુલભાઈ ગોહેલ બેભાન થઈ ઢળી પડયો હતો. જેને પગલે આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને મેહુલ ગોહિલને સોખડા ચરોતર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યા ફરજ પરના ડોક્ટરે મેહુલભાઈ ગોહિલ (ઉં.વ.૨૫)ને મૃત જાહેર કર્યો હતો.
આ બનાવ અંગે નિકુંજ શંભુભાઈ ગોહિલની ફરિયાદના આધારે માતર પોલીસે અજયભાઈ જયંતીભાઈ પરમાર તેમજ રાહુલભાઈ બાબુભાઈ ચૌહાણ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


