કલોલમાં ચા પીવા ઉભેલા યુવક પર ધોકા-હથિયારોથી હુમલો થતા ચકચાર
આધાર કાર્ડ કાઢવાનું કામ કરતો યુવક હુમલામાં ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
કલોલમાં કાયદો અને વ્યવસ્થા સાવ ખાડે ગઈ છે. જાહેરમાર્ગ પર
ખુલ્લેઆમ મારામારી કરતા લુખ્ખા તત્વો અચકાઇ રહ્યા નથી. ઘટનાની વિગત અનુસાર કલોલ
શહેરમાં આવેલા ગાયોના ટેકરા વિસ્તારમાં રહેતો અમિત ગોવિંદજી ઠાકોર નગરપાલિકા
કમ્પાઉન્ડમાં આધાર કાર્ડ કાઢવાની કામગીરી કરે છે. સોમવારે બપોરમાં રોજ અમિત ઠાકોર
ચા પીવા માટે જીઇબી કચેરી સામે આવેલ ચા ની કીટલી પર ગયો હતો. યુવક કિટલી પર ઉભો
હતો અચાનક એક કાર આવી હતી. કારમાંથી શખ્સો ધોકા અને હથિયાર સાથે ઉતર્યા હતા અને
યુવક કંઈ સમજે તે અગાઉ માર મારવાનું શરૃ કરી દીધું હતું.
હથિયારધારી શખ્સોએ યુવકને ઊંધો પાડી ધોકા અને હથિયાર વડે હુમલો કર્યો હતો. યુવકને હથિયાર મારવામાં આવતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. અજાણ્યા શખ્સો યુવક પર તૂટી પડતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા જેને પગલે હુમલાખોરો નાસી છૂટયા હતા. હુમલામાં ઘવાયેલ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હુમલાની ઘટનાને પગલે પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. કલોલ પોલીસ દ્વારા યુવકની ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.