Get The App

દહેગામ બસ સ્ટેન્ડ નજીક આયશરની ટક્કરે યુવકનું મોત

Updated: Mar 17th, 2023

GS TEAM


Google News
Google News
દહેગામ બસ સ્ટેન્ડ નજીક આયશરની ટક્કરે યુવકનું મોત 1 - image


અકસ્માત સર્જી આયશર ચાલક વાહન સાથે ફરાર

રોડ ક્રોસ કરતાં યુવક પર આયશર ફરી વળ્યું

દહેગામ : દહેગામ શહેરમાંથી પસાર થતો અમદાવાદ મોડાસા હાઇવે અકસ્માત ઝોન સાબિત થતો જાય છે. દહેગામ શહેરમાં સતત વાહનોની અવર જવરથી વ્યસ્ત આ માર્ગ પર અકસ્માતમાં અનેક જિંદગીઓ હોમાયા બાદ આજે એસ. ટી બસ સ્ટેન્ડ નજીક એક બેફામ આઇશર ચાલકે એક યુવાનને ટક્કર મારતાં તેનું ઘટનસ્થળે મોત થવા પામ્યું છે.

આ ગમખ્વાર અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર આજે રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે દહેગામ શહેરમાં એસટી બસ સ્ટેન્ડ નજીક મોડાસા તરફથી એક પૂરઝડપે આવી રહેલ એક આયશર ટ્રકની ટક્કરે રસ્તો ઓળંગી રહેલ એક યુવકનું મોત થયુ છે. શહેરના સહજાનંદ ફ્લેટ ખાતે રહેતો ભાવિક ઉર્ફે ચિન્ટુ શશીભાઈ પટેલ નામનો યુવક સુવિધા પથ તરફથી આવી સામેની તરફ જઈ રહ્યો હતો ત્યારે એક આયશર ટ્રકની ટક્કરે તે રોડ પર ફસડાઈ પડયો હતો અને આયશરના ટાયર તેની ઉપર ફરી વળતાં ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતુ. તો આયશર ચાલક અકસ્માત સર્જી ભાગી છૂટયો હતો.બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતાં અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસે ટ્રાફિક પૂર્વવત કરવાની સાથે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો છે.

Tags :