છાલા પાસે ટ્રકની અડફેટે બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યું
Updated: Sep 10th, 2023
જિલ્લાના હાઇવે માર્ગો ઉપર વધતા જતા અકસ્માતો વચ્ચે
ધોળાકુવાનો યુવાન પત્નીને પિયરમાં ભિલોડા ખાતે મૂકીને પરત ફરી રહ્યો હતો ત્યારે ટ્રકે વળાંક લેતા અકસ્માત
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર છાલા પાસે બાઈક લઈને પસાર થઈ રહેલા ધોળાકુવાના યુવાનને ટ્રકે અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે ચિલોડા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર છેલ્લા ઘણા
સમયથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર છાલા પાસે
સર્જાયેલા વધુ એક અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું મોત નીપજ્યું છે. જે અંગે પોલીસ
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ વિજાપુર તાલુકાના ગામનો રહેવાસી અને હાલ
ધોળાકૂવામાં રહેતો યુવાન વિશાલ મુકેશભાઈ ભરથરી તેની પત્નીને પિયર મુકવા માટે બાઈક
ઉપર ભિલોડાના ગરાદર ગામે ગયો હતો. પત્નીને પિયર મૂકી તે બાઈક ઉપર પરત ધોળાકુવા
માટે આવવા નીકળ્યો હતો. આ દરમિયાન ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર છાલા પાસેથી વિશાલ
પસાર થઈ રહ્યો હતો તે સમયે ટ્રક ચાલક અચાનક વળાંક લેવા જતા વિશાલના બાઈક સાથે
અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં તેને શરીરે ગંભીર જાઓ પહોંચી હતી. અકસ્માત
સર્જીને ટ્રકનો ચાલક ટ્રક રોડ ઉપર જ મૂકીને નાસી છૂટયો હતો. અકસ્માતની ઘટનાને પગલે
આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ મામલે ચિલોડા પોલીસને જાણ કરી હતી. જોકે શરીર
ગંભીર ઇજાઓને કારણે વિશાલનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. જેથી આ અકસ્માતની ઘટના
અંગે તેના કાકા દિનેશભાઈ ભરથરીની ફરિયાદના આધારે ચિલોડા ટ્રક ચાલક સામે ગુનો દાખલ
કરીને તેને પકડવા માટે મથામણ શરૃ કરી છે.