પીંડારડા પાસે કારની અડફેટે બાઇક પર દર્શને જતી મહિલાનું મોત,બે ઇજાગ્રસ્ત


પેથાપુર મહૂડી હાઇવે ઉપર વધતા અકસ્માત વચ્ચે

મહૂડી તરફથી પુરઝડપે આવતી કારે બાઇકને ફંગોળ્યું ઘાયલોને સારવાર માટે ખસેડાયાઃપેથાપુર પોલીસની તાપસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક પેથાપુર મહૂડી હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે પીંડારડામાં રહેતો પરિવાર બાઇક ઉપર મંદિરે દર્શન કરવા જઇ રહ્યો હતો તે દરમ્યાન મહૂડી તરફથી પુરઝડપે આવતી કારે બાઇકને અડફેટે લીધું હતું અને તેમાં સવાર પતિ પત્ની અને પિતરાઇ ભાઇ ઇજાગ્રસ્ત થયા હતા જે પૈકી મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૃ કરી છે.

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે હવે કોઇ માર્ગ સલામત રહ્યો છે. આંતરે દિવસે કોઇના કોઇ અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. પીંડારડા ગામે રહેતા અને ઘ-૨ પેટ્રોલપંપમાં નોકરી કરતા સુરેશભાઇ માનસિંગભાઇ ઠાકોર તેમની પત્ની ચંદ્રિકાબેન અને પિતરાઇ ભાઇ અજય ઠાકોર બાઇક ઉપર પીંડારડાથી બાલવા મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા નિકળ્યા હતા. આ સમયે પીંડારડાથી તેઓ મહૂડી તરફ વળી રહ્યા હતા તે સમયે પુરઝડપે આવી રહેલી કારે તેમના બાઇકને અડફેટે લીધુ હતું અને ત્રણેય ફંગોળાયા હતા.આ તમામને ઇજાઓ પહોંચી હતી અકસ્માતને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં ચંદ્રિકાબેનને વધુ ઇજાઓ પહોંચતા અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માતન આ ઘટના અંગે હાલ તો પેથાપુર પોલીસે કારચાલક સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૃ કરી છે. 

City News

Sports

RECENT NEWS