વડોદરા: નિઝામપુરાના પંડ્યા બ્રિજ પર પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રક પલટી ગઈ
વડોદરા, તા. 25 એપ્રિલ 2023 મંગળવાર
વડોદરામાં ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે અને તેની સાથે સાથે અકસ્માતમાં બનાવો પણ બની રહ્યા છે.
બે દિવસ પહેલા રવિવારે નમતી બપોરે ગેંડા સર્કલ થી માણેક પાર્ક સર્કલ સુધી ત્રણ કિ.મી વિસ્તારમાં ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો પરેશાન થયા હતા. ટ્રાફિક પોલીસ હાજર હોવા છતાં વારંવાર ટ્રાફિક ખોરવાઈ જવાના બનાવ બની રહ્યા છે.
દરમિયાન માં આજે સવારે નિઝામપુરા ના પંડ્યા બ્રિજ પર અકસ્માત નો વધુ એક બનાવ બન્યો હતો. જેમાં ફૂલ સ્પીડ જતી પ્લાસ્ટિકના દાણા ભરેલી ટ્રકના ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ગઈ હતી. બનાવને પગલે વાહન ચાલકો પરેશાન થયા હતા. પોલીસ આવી જતા વાહન વ્યવહાર પૂર્વવત્ બનાવ્યો હતો.