Get The App

હવે રાસાયણિક ખાતરના ભાવમાં ધરખમ વધારો, ખેડૂતો લાલઘૂમ

Updated: Oct 16th, 2021

GS TEAM

Google News
Google News
હવે રાસાયણિક ખાતરના ભાવમાં ધરખમ વધારો, ખેડૂતો લાલઘૂમ 1 - image


વાવાઝોડા, અતિવૃષ્ટિના કુદરતી માર બાદ આર્થિક માર

ઇફ્કોએ ખાતરની પ્રતિ થેલીએ રૂા.265 વધાર્યા: રવી સિઝન પહેલાં ખાતર મોંઘુ થતા ખેડૂતો ચિંતામાં

અમદાવાદ : ટૌટે વાવાઝોડા અને અતિવૃષ્ટિની કુદરતી મારમાં તબાહ થયેલાં ગુજરાતના ખેડૂતોને હજુ કળ વળ નથી ત્યારે રાસાયણિક ખાતરના ભાવમાં વધારો ઝિકાયો છે જેના કારણે જગતના તાત પર વધુ આિર્થક બોઝનો માર  પડયો છે.  રાસાયણિક ખાતરની પ્રતિ થેલી પર પર રૂા.265 સુધીનો ભાવ વધારો ઝિંકાયો છે જેથી ખેડૂતો લાલઘૂમ થયા છે. એટલું જ નહીં, ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા માંગણી ઉઠી છે. 

ગુજરાતમાં આ વખતે ખેડૂતો પર જાણે કુદરત રૂઠી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે કેમકે, ટૌટે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી દીધી હતી જેથી ઉભા પાકને ખૂબ જ નુકશાન પહોચ્યુ હતું.

આટલુ  ઓછુ હોય તેમ પાછોતરા વરસાદે ખેતીને ખુબ જ નુકશાન પહોંચાડયુ હતું. ચોમાસાના અંતિમ દિવસોમાં મેઘરાજાએ ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતી સર્જી દીધી હતી. હજુ તો ખેડૂતો કુદરતી મારનો સહન કરી બેઠાં ય થયાં નથી ત્યા રાસાયણિક ખાતરમાં ધરખમ ભાવ વધારો કરી દેવાયો છે. 

ઇફકોએ એનપીકે ખાતરની એક થેલીનો ભાવ રૂા.1150 કરી દીધો છે. આ ખાતરની થેલીનો ભાવ રૂા.1185 હતો. એનપીકે ખાતરની થેલી પર રૂા.265નો વધારો કરી દેવાયો છે. આ જ પ્રમાણે, એનપીકે ખાતરની થેલીનો ભાવ રૂા.1175 હતો તેના ભાવ હવે રૂા.1440 કરાયો છે. 

એટલે ખાતરની પ્રતિ થેલીએ રૂા.265 વધારાયા છે. કિસાન કોંગ્રેસ સેલનો આરોપ છેકે, ગત એપ્રિલ માસમાં જ ખાતરનો ભાવ વધારો કરી દેવાયો હતો પણ ખેડૂતોએ હોબાળો મચાવતા સરકારે ભાવ વધારો પાછો ખેચી લેવા ફરજ પડી હતી પણ તે વખતે ખાનગી ખાતર કંપનીઓએ ખાતરની પ્રતિ થેલીનો ભાવ રૂા.1700 સુધી યથાવત રાખ્યો હતો. હવે ઇફકોના સત્તાધીશો એવો લૂલો બચાવ કરી રહ્યા છેકે, ખાનગી ખાતર કંપનીઓની સરખામણીમાં સરકારી ખાતર કંપનીઓનું ખાતર હજુય  સસ્તુ છે. 

હવે રવિ સિઝનનો પ્રારંભ થશે તે પહેલાં જ ખાતર મોંઘુ થતાં ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોનું કહેવુ છેકે, રાસાયણિક ખાતર જ નહીં, બિયારણ, જંતુનાશક દવાઓ થી માંડીને અન્ય ખેતીલાયક ચીજવસ્તુઓ ઉપરાંત ખેત મજૂરી ય મોંઘી થઇ છે. આ જોતાં ખેતી કરવી મોઘુ બન્યુ છે.

સામે છેડે ખેત ઉત્પાદનના પુરતા ભાવો મળતાં નથી. આ સંજોગોમાં ખેડૂતો જમીનો વેચવા મજબૂર બન્યા છે. એટલું જ નહીં, ખેત વ્યવસાય છોડી અન્ય વ્યવસાય તરફ વળી રહ્યાં છે. ખાતરના ભાવ વધારો પાછો ખેચવા માંગણી ઉઠી છે. જો ભાવ વધારો પરત નહી ખેચાય તો, રાજ્યમાં આંદોલન થાય તેવા ભણકારાં વાગી રહ્યા છે.

Tags :