મહિસાગર નદીમાં ડ્રોનથી રેતી ચોરી ઝડપાઈ
- ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરામાં પસાર થતી
- ખાણ ખનીજ વિભાગની ટીમે રેડ કરી મશીન જપ્ત કર્યું:૫.૯૯ લાખનો દંડ ફટકાર્યો:૧૧૭૯.૪૪ મેટ્રિક ટન રેતી ઝડપાઈ
આણંદ.તા, 10 એપ્રિલ 2019, બુધવાર
હાલમાં સમગ્ર ચરોતર પંથક સહિત કાઠાંગાળાના વિસ્તારોમાં માટી તથા રેતીનું ગેરકાયદેસર ખનન વ્યાપક પ્રમાણમાં વધી જવા પામ્યું છે ત્યારે સ્થાનિક ખાણ-ખનીજ વિભાગ દ્વારા આ બદીને રોકવા માટે વધુ કડક કાર્યવાહીના પગલાંરૂપે ડીઝીટલાઈઝેશનની મદદથી ડ્રોન દ્વારા નજર રાખી મોટાભાગે તેમાં તંત્રને સફળતા સાંપડી રહી છે. જેના ભાગરૂપે ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ખાતે ડ્રોન દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગેરકાયદેસર રીતે ખનન કરતુ હીટાચી મશીન હોવાનું જણાતા તંત્રએ જે-તે સ્થળ ઉપર રેડ કરી હીટાચી મશીનને જપ્ત કરવામાં આવ્યું હતું.
ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ખાતે ખાણ-ખનીજ વિભાગ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી તપાસ હાથ ધરતા તંત્રની મંજુરી વિના ગેરકાયદેસર ખોદકામ કરતું હીટાચી મશીન ઝડપાયું હતું. આ અંગે ખાણ-ખનીજ વિભાગે હીટાચી મશીન જપ્ત કરી ૫.૯૯ લાખનો દંડ હીટાચી મશીનના માલિક પાસેથી વસુલ કરવામાં આવ્યો હતો. ખાણ-ખનીજ વિભાગ દ્વારા મહીસાગર નદીના કાંઠાગાળાના વિસ્તારોમાં તપાસ હાથ ધરતા અનેક વખત ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા તત્વોને ઝડપી પાડવામાં આવ્યા છે.
જો કે તંત્ર દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરતા કોતર વિસ્તારમાં અજાણ્યા અને ગુપ્ત રસ્તાઓ ઉપર ખનન થતુ અટકાવવાના હેતુથી ડ્રોન કેમેરાની બાઝ નજર રાખીને કાર્યવાહી કરવાનો અભિગમ અપનાવતા આ પ્રયોગમાં તંત્રને છેલ્લા બે માસમાં રેતીમાંથી ચોરીના કિસ્સાઓની કાર્યવાહીમાં વધારો થવા પામ્યો છે. ગત સપ્તાહ દરમ્યાન પણ ખાણ-ખનીજ વિભાગે ડ્રોન કેમેરાના આધારે માહિતી મેળવી પ્રતાપપુરા લીઝ વિસ્તારમાં ૧૧૭૯.૪૪ મેટ્રીક ટન સાદી રેતી ચોરી ઝડપી પાડવામાં આવી હતી.
આમ, ખાણ-ખનીજ વિભાગ દ્વારા અત્યાર સુધી ૪,૬૩,૦૬૬ અને પર્યાવરણને નુકસાન પહોંચાડવાના ગુના હેઠળ ૧,૧૬,૦૫૭ મળીને કુલ ૫,૯૯,૧૨૩ રૂપિયા દંડ વસુલ કરવામાં આવ્યો હોવાનું ખાણ-ખનીજ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.