Get The App

આર્વેદટ્રાન્સક્યુબ પ્લાઝાના પાર્કિગમાંથી દારૂના જથ્થા સાથે બે વ્યક્તિની ધરપકડ

બેઝમેન્ટમાં દારૂ ભરેલી કાર સંતાડવામાં આવી હતી

રાજસ્થાનથી વિદેશી દારૂ લાવીને શહેરના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવાનો હતોઃ

Updated: May 28th, 2023

GS TEAM

Google News
Google News
આર્વેદટ્રાન્સક્યુબ પ્લાઝાના  પાર્કિગમાંથી  દારૂના જથ્થા સાથે  બે વ્યક્તિની ધરપકડ 1 - image

અમદાવાદ, રવિવાર

અમદાવાદ ક્રાઇમબ્રાંચે શનિવારે રાતના સમયે રાણીપ આર્વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝાના બેઝમેન્ટ પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાંથી એક લાખનો વિદેશી દારૂ જપ્ત કરીને બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ દારૂનો જથ્થો શહેરના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવાનો હતો. અન્ય બનાવમાં પોલીસે સુભાષબ્રીજથી  એક કારનો શાહીબાગ સુધી પીછો કરીને ૮૦ હજારની કિંમતનો દારૂ જપ્ત કર્યો હતો.ક્રાઇમબ્રાંચનો  સ્ટાફ શનિવારે રાતના સમયે વાડજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે રાણીપ આર્વદ ટ્રાન્સક્યુબ પ્લાઝાના પાર્કિંગમાં એક કાર પાર્ક કરીને છુપાવવામાં આવ્યો છે. જે દારૂનો જથ્થો શહેરના અલગ અલગ વિસ્તારમાં આપવા માટે બે યુવકો નીકળવાના છે. જેના આધારે પોલીસે તપાસ કરતા કારમાંથી એક લાખની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે બોપલ ભવ્ય પાર્કમાં આવેલા ડાયમંડ એપાર્ટમેન્ટમા રહેતા  અંકિત પરમાર અને ત્રાગડ રોડ ચાંદખેડા ખાતે રહેતા  કેશરસિંગ રાજપુતને ઝડપી લીધા હતા. આ દારૂ રાજસ્થાનથી કેશરસિંગ રાજપુત લાવ્યો હતો.

અન્ય બનાવમાં પોલીસને બાતમી મળી હતી કે સુભાષબ્રીજ સર્કલ પાસેથી દારૂ ભરેલી એક ક્રેટા કાર પસાર થવાની છે. જેના આધારે રાતના સમયે એક શંકાસ્પદ કારના ચાલકે ઉભા રહેવાનો ઇશારો કર્યો હતો. જો કે તેણે કારને ભગાવી દીધી હતી. જે બાદ પોલીસે તેનો પીછો કરતા કાર ચાલકે કારને વાડજ દધિચી બ્રીજથી શાહીબાગ રાણી સતીના મંદિર તરફ લઇ લીધી હતી અને ત્યાંથી કારને મુકીને કારચાલક નાસી ગયો હતો. જ્યારે અસારવામાં રહેતા  અમરત પ્રજાપતિને ઝડપી લેવાયો હતો.