અમદાવાદ: મ્યુનિની એસ.વી.પી હોસ્પિટલનો ગંભીર છબરડો બહાર આવ્યો
- પોઝિટિવ પેશન્ટને નેગેટિવ હોવાનો રિપોર્ટ આપી ઘેર મોકલ્યો બાદમા પાછો બોલાવાયો
અમદાવાદ, તા.23 મે 2020, શનિવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલનો ગંભીર છબરડો બહાર આવ્યો છે. જેમાં કોરોના પોઝિટિવ એવા પેશન્ટને પહેલા આવેલા રિપોર્ટને આધારે નેગેટિવ હોવાનું કહી ઘેર મોકલી દેવાયા બાદ તેને એમ્બ્યુલન્સ મોકલી પરત બોલવાની હોસ્પિટલ સત્તાવાળાઓને ફરજ પડી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં કોરોનના સતત વધતા જતા કેસથી હવે એસવીપી હોસ્પિટલની સેવા પણ ખોરવાઈ ગઈ છે. 21 મેના રોજ બપોરે એક સમાન નામ ધરાવતા પેશન્ટોમાં હોસ્પિટલના સ્ટાફએ ગોટો મારી દીધો હતો. બપોરે બે વાગે પહેલો રિપોર્ટ આવતા એક પેશન્ટને રજા આપી દેવામાં આવી તેને કહેવાય કે એનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે. બાદમા સાંજના સમયે બીજો રિપોર્ટ આવ્યો ત્યારે હોસ્પિટલવાળાઓને ખબર પડી કે જે પેશન્ટને તેમને નેગેટિવ કહીને ઘેર પરત મોકલ્યો હતો એ ખરેખર પોઝિટિવ છે, એને બોલાવવા તાત્કાલિક એમ્બ્યુલન્સ મોકલવી પડી હોવાનું હોસ્પિટલની સત્તાવાર પ્રેસ નોટમાં કહેવાયું છે.