શ્રમિકોના અભાવે ગાંધીનગરમાં સંખ્યાબંધ સરકારી કામો ખોરંભે
- કોરોના કાળમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે
- કોન્ટ્રાકટરો સાથે તંત્રની પણ હવે ગોધરા આસપાસના વતન પરત ફરેલા શ્રમિકોને પાછા લાવવા મથામણ
ગાંધીનગર,28 મે 2020 ગુરૂવાર
કોરોનાના કારણે અપાયેલા લોકડાઉનના કારણે રોજીંદી કામગીરી કરતાં શ્રમિકોની હાલત સૌથી વધુ કફોડી બની હતી. ધંધા રોજગાર બંધ થવાના કારણે આવા શ્રમિકોએ પોતાના વતનની વાટ પકડી લીધી હતી. ત્યારે હવે લોકડાઉન-૪માં શરતોને આધિન છુટછાટો આપવામાં આવી છે અને ધંધા રોજગાર ફરીથી જીવંત બનવા લાગ્યા છે ત્યારે પાટનગરમાં પણ સરકારી ઈમારતો અને સમારકામ, રોડ રસ્તાના સંખ્યાબંધ કામ ખોરંભે પડી ગયા છે જેથી હવે વતન પરેલા મજુરોને પરત લાવવા માટે કોન્ટ્રાકટરોની સાથે તંત્ર પણ મથી રહયું છે.
કોરોનાના સંક્રમણને ટાળવા માટે લોકડાઉન અમલી કરી વૈશ્વિક મહામારી ઉપર અંકુશ મેળવવા પ્રયાસો કરવામાં આવી રહયા હતા. તબક્કાવાર લોકડાઉન જાહેર કરીને લોકોને ઘરમાં પુરી, ધંધા-રોજગાર બંધ કરીને અમલ કરાવવામાં આવી રહયો હતો જેના પગલે રોજીંદી મજુરી કરીને જીવન નિર્વાહ કરતાં શ્રમિકોની હાલત કફોડી બની ચુકી હતી. બાંધકામ સાઈટથી લઈ છુટક મજુરી કરતાં તમામ એકમો બંધ થઈ જવાના કારણે આવા મજુરોએ વતનની વાટ પકડી હતી. આર્થિક ઉપાર્જન બંધ થવાના કારણે રોજીંદી મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં આ મજુરોને પણ પગપાળા વતન પહોંચવાની ફરજ પડી હતી.
બે મહિના ઉપરાંતનો સમય વીતી ગયો છે ત્યારે ગાંધીનગરમાં ખોરંભે પડેલા સરકારી કામોને હવે મજુરોની યાદ આવવા લાગી છે. ગાંધીનગરમાં હવે લોકડાઉનની સ્થિતિ હળવી બની છે ત્યારે રોડ રસ્તા સહિતના વિકાસ કામો ધીમેધીમે શરૂ કરવામાં આવી રહયા છે ત્યારે કોન્ટ્રાકટરો અને તંત્રને હવે વતન ગયેલા શ્રમિકોની યાદ આવી રહી છે. પાટનગરના વિકાસ કામો માટે શ્રમિકોની જરૂરિયાત ઉભી થતાં તેમને હવે વતનથી પરત લાવવાની કામગીરીમાં કોન્ટ્રાકટરોની સાથે હવે તંત્ર પણ લાગી ગયું છે. જોવાનું એ રહે છે કે તંત્રની મથામણ બાદ વતનમાં ગયેલા શ્રમિકો પરત ફરે છે કે નહીં. હાલ તો પાટનગર યોજના વિભાગના સરકારી ઈમારતોના કામો, કોર્પોરેશનનું નવું બિલ્ડીંગ તેમજ રોડ રસ્તાના સમારકામના કામો છેલ્લા ઘણા સમયથી અટવાયેલા છે. એટલું જ નહીં સરકારની સાથે ઔદ્યોગિક એકમો પણ શ્રમિકોના અભાવે ભારે ચિંતીત જોવા મળી રહયા છે.