વિધર્મી યુવતી હિન્દુ યુવક સાથે ભાગી જતાં ટોળાનો પોલીસ પર હુમલો
લઘુમતી કોમનાં ટોળાએ યુવકના પિતા અને ભાઇના ઘેર જઇ હુમલો કર્યો ઃ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા
ઝઘડિયા ઝઘડિયા તાલુકાના એક ગામના હિન્દુ યુવક તથા અન્ય ગામની લધુમતી સમાજની યુવતી વચ્ચેના પ્રેમ પ્રકરણ બાદ બંને ઘરેથી ભાગી જતા મામલો ગંભીર બન્યો હતો. લઘુમતી સમાજના ટોળાએ હિન્દુ યુવકના ઘરમાં ઘૂસી પરિવારના સભ્યોને માર મારી યુવકના પિતા તથા તેના ભાઈને ઉઠાવી જઈ માર માર્યો હતો. યુવકના પિતાને બચાવવા જનાર રાજપારડી પોલીસ પર પણ લઘુમતી સમાજના ટોળાએ હુમલો કરતા પોલીસ કર્મચારી ઘાયલ થયા હતાં.
આ અંગેની વિગત એવી છે કે ઝઘડિયા તાલુકાના એક ગામની લઘુમતી સમાજની યુવતી તથા અન્ય ગામનો હિન્દુ સમાજનો યુવક એકબીજાના પ્રેમ સંબંધમાં હોય તેઓ આજે સવારે ઘરેથી ભાગી ગયા હતા, જેની જાણ બંને પરિવારોને થઈ હતી, જેથી લઘુમતી સમાજના ટોળાએ હિન્દુ યુવકના પરિવારના ઘરે જઈ તેમની સાથે બોલાચાલી કરી તેમની સાથે મારામારી કરી ઘરમાં તોડફોડ કરી હતી, વાત આટલે થી નહી અટકતા યુવકના પિતા તથા તેના ભાઈને તેઓ તેમના ઘરેથી જબરજસ્તીથી લઈ ગયા હતાં.
આ ઘટનાની જાણ રાજપારડી પોલીસને થતા રાજપારડી પોલીસ દ્વારા યુવકના પિતા તથા તેના ભાઈને છોડાવવા માટે યુવતીના ઘરે પહોંચી ત્યારે લઘુમતી સમાજના ટોળાએ રાજપારડી પોલીસ કર્મચારી પર પણ હુમલો કર્યો હતો અને તેઓને ઈજા પહોંચાડી હતી. વધુ પોલીસ બોલાવતા મામલે થાળે પડયો હતો અને યુવકના પિતા તથા તેના ભાઈને છોડાવી રાજપારડી પોલીસ મથકે લઈ ગયા હતા.
બાદમાં ઉશ્કેરાયેલા લઘુમતી સમાજના ટોળાએ રાજપારડી પોલીસ ખાતે પણ હલ્લાબોલ કર્યો હતો, ઘટનાની જાણ વાયુ વેગે પોલીસ આલમમાં પ્રસરતા ડીએસપી અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. યુવક અને યુવતીને શોધી લાવી તેમને તેમના પરિવારને પરત સોંપવાની ખાતરી પોલીસ દ્વારા આપવામાં આપતા મામલે થાળે પડયો હતો. પરંતુ આ લખાય છે ત્યાં સુધી હજી સુધી પોલીસ પર હુમલાની કોઈ ફરિયાદ નોંધાઇ નથી.