વટવામાં આઇસર ટ્રકે રિવર્સ લેવાતા ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે દબાઇ જતા સગીરનું મોત
પ્રસંગે ઢોલ વગાડી પાર્ક કરેલી લક્ઝરી બસ પાસેથી સગીર પસાર થતો હતો
અકસ્માત કરીને સગીરને મોતને ઘાટ ઉતરી આઇસર મૂકીને ડ્રાઇવર ભાગી ગયો
અમદાવાદ, મંગળવાર
વટવા ચાર માળીયા મકાનો પાસે લકઝરી બસ અને આઈસર ટ્રક વચ્ચે દબાઇ જતાં સગીર મોત થયું હતું. કોઇ પ્રસંગમાં ઢોલ વગાડીને સગીર લકઝરી બસ પાસેથી પસાર થતો હતો ત્યારે આઈસર ટ્રક ચાલકે અચાનક રીવર્સ લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત કરીને વાહન મૂકીને ડ્રાઇવર ભાગી ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માત કરીને સગીરને મોતને ઘાટ ઉતરી આઇસર મૂકીને ડ્રાઇવર ભાગી ગયો ઃ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
વટવા વિસ્તારમાં રહેતા યુવકે ટ્રાફિક જે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇસર ટ્રકના ચાલક સામે ગુનો નોંધાવ્યો છે કે તેમનો ૧૫ વર્ષીય પુત્ર અભ્યાસની સાથે સાથે મિત્રો સાથે ઢોલ વગાડવાનું કામ કરતો હતો. ગઇકાલે તેમનો પુત્ર કોઇ પ્રસંગમાં ઢોલ વગાડવા ગયો હતો. રાત્રીના સમયે તે પ્રસંગ પૂર્ણ કરીને ઘરે આવતો હતો. ત્યારે ચાર માળીયા મકાન નજીક ઉમંગ ફ્લેટ પાસે એક લકઝરી બસ પાર્ક કરેલી હતી તે બેની વચ્ચેથી પસાર થતો હતો.
આ સમયે અચાનક આઈસર ટ્રકના ચાલક પૂર ઝડપે વાહન રીવર્સમાં ચલાવતો હતો જેના કારણે બસ અને ટ્રક વચ્ચે સગીર આવી ગયો હોવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાના કારણે ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું, અકસ્માત બાદ આઈસર ટ્રક મૂકીને તેનો ડ્રાઇવર ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટના અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે ફરાર આઈસર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.