ગાંધીનગર નજીક ચિલોડા પંથકના ગામમાં
છેલ્લા એક મહિનાથી આધેડના કૃત્યથી ફરિયાદ ઃ ઊંઘમાં બાળકી છોડી દો છોડી દોની બૂમો પાડતા
ભાંડો ફૂટયો ઃ આરોપીની ધરપકડ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડા પંથકના ગામમાં રહેતી આઠ વર્ષની બાળકીને પાડોશમાં જ રહેતા આધેડ દ્વારા છેલ્લા એક મહિનાથી દુષ્કૃત્ય આચર્યું હોવાનું બહાર આવ્યું છે. રાત્રે ઊંઘમાં આ બાળકી છોડી દો છોડી દોની બૂમો પાડતા ભાંડો ફૂટયો હતો અને આ મામલે ફરિયાદને આધારે ચિલોડા પોલીસ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૃ કરી છે. બાળકીનું મેડિકલ કરાવવા માટે પણ તજવીજ શરૃ કરવામાં આવી હતી.
શહેર નજીક આવેલા ચિલોડા પંથકના ગામમાં રહેતી આઠ વર્ષની
બાળકીને પાડોશમાં જ રહેતા આધેડ દ્વારા હવસનો શિકાર બનાવવામાં આવી હતી. આ અંગે
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે બાળકીના માતા પિતા કામ અર્થે જતા હતા તે
સમયે તે તેના નાના ભાઈ સાથે ઘરમાં રહેતી હતી .આ દરમિયાન પાડોશમાં રહેતો લંબુબાપા
ઉર્ફે વિજય ઉર્ફે ભીખો કાળુભાઈ સોલંકી આ બાળકીને બોલાવતો હતો અને દૂધ લેવા માટે
રૃપિયા આપતો હતો ત્યારબાદ બાળકી દૂધ લઈને ઘરે આવે ત્યારે તેની સાથે શારીરિક અડપલા
કરીને હવસનો શિકાર બનાવતો હતો. છેલ્લા એક મહિનાથી આ પ્રકારનું વર્તન આધેડ દ્વારા
ચાલુ રાખવામાં આવ્યું હતું પરંતુ ડઘાઈ ગયેલી બાળકી પરિવારને કોઈ વાતની જાણ કરતી ન
હતી. દરમિયાનમાં રાત્રિના સમયે લંબુબાપા છોડી દો મને છોડી દો તેવી બૂમો પાડતા
પરિવાર ગભરાઈ ગયો હતો અને આ બાળકી બેભાન થઈ જતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર
માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેની માતા દ્વારા બાળકીને પૂછવામાં આવતા તેણીએ
છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી યાતના અંગે વાત કરી હતી. જેના પગલે પરિવાર પણ ડઘાઈ
ગયો હતો. આ સમગ્ર ઘટના અંગે ચિલોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ
કરીને આરોપી લાંબુ બાપા ઉર્ફે વિજય કાળુભાઈ સોલંકીની ધરપકડ કરી લીધી છે અને
બાળકીને મેડિકલ માટે મોકલી આપવામાં આવી છે.


