Get The App

મેડિકલ-પેરામેડિકલના તમામ વર્ષના વિદ્યાર્થીને 'કોવિડ સહાયક' બનાવાશે

- કોરોનાના કેસ વધતા માનવ સંસાધનની અછતને પહોંચી વળવા

- સરકારી, ખાનગી કોલેજોના વિદ્યાર્થીઓને કામગીરીમાં જોડવા સરકારનો આદેશ : 80 હજારથી વધુને તાલીમ

Updated: Jul 17th, 2020

GS TEAM

Google News
Google News
મેડિકલ-પેરામેડિકલના તમામ વર્ષના વિદ્યાર્થીને 'કોવિડ સહાયક' બનાવાશે 1 - image


અમદાવાદ, તા.17 જુલાઇ, 2020, શુક્રવાર

સુરતમાં એમબીબીએસના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને કોરોનાની સારવારમાં ડયુટી સોંપાતા વિદ્યાર્થીઓ-વાલીઓએ જ્યાં ઉગ્ર વિરોધ કર્યો છે ત્યારે હવે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે મેડિકલ ઉપરાંત ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી, નર્સિંગ, ફીઝિયોથેરાપી સહિતના તમામ મેડિકલ-પેરામેડિકલ કોર્સીસના પહેલાથી માંડી છેલ્લા વર્ષ સુધીના તમામ વિદ્યાર્થીઓને કોરોના કામગીરીમાં જોડવા ઠરાવ કર્યો છે.

રાજ્યમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે પડનારી માનવ સંસાધનની અછતને પહોચી વળવા સરકારે રાજ્યના 80 હજારથી વધુ મેડિકલ- પેરામેડિકલ વિદ્યાર્થીની કોવિડ સહાયક તરીકે મદદ લેવા નિર્ણય કર્યો છે. 

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આજે ઠરાવ કરીને રાજ્યની તમામ સરકારી અને ખાનગી મેડિકલ-પેરામેડિકલ કોલેજોના તમામ વર્ષના વિદ્યાર્થીઓની કોવિડ સહાયક તરીકે મદદ લેવા માટે નિર્ણય કરવામા આવ્યો છે.

જે અંતર્ગત  તમામ વિદ્યાર્થીઓને  જુદા જુદા અધિકારીઓ હેઠળ કામગીરી સોંપાશે અને જે માટે વિદ્યાર્થીઓને જુદી જુદી કામગીરી માટે તાલીમ આપવામા આવશે.  એમબીબીએસ અને  બીડીએસના છેલ્લા વર્ષના  વિદ્યાર્થીઓને  કોવિડ હોસ્પિટલમાં  નોડલ ઓફિસર હેઠળ કામગીરી સોંપાશે અને 5-5 દિવસની તાલીમ આપાવમા આવશ.ે

બીએએમએસ, ફીઝિયોથેરાપી અને બીએસસી નર્સિંગ તથા જનરલ નર્સિંગ ના છેલ્લા વર્ષના  વિદ્યાર્થીઓને એકથીત્રણ દિવસની તાલીમ આપી તાલુકા લેવલે હેલ્થ ઓફિસરો અને કોવિડ હોસ્પિટલમાં નોડલ ઓફિસર હેઠળ કામગીરી સોંપાશે. બીએસસી માઈક્રોબાયોલોજીના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને   પણ માઈક્રાબાયોલોજી વિભાગ હેઠળ કામગીરી સોંપાશે. 

આ ઉપરાંત મેડિકલ,ડેન્ટલ, આયુર્વેદિક,હોમિયોપેથી અને ફીઝિયોથેરાપી ,જનરલ  નર્સિંગ અને બીએસસી નર્સિંગના પ્રથમથી માંડી ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને  એક દિવસની તાલીમ આપી તાલુકા લેવલે હેલ્થ ઓફિસર હેઠળ કામગીરી સોંપવામા આવશે.તાલીમ પુરી થયા બાદ  વિદ્યાર્થીઓની રાજ્યની કોવિડ હોસ્પિટલ તરીકે ડેઝિગ્નેટેડ કરેલ કોવિહડ હોસ્પિટલોમાં કોવિડ સહાયક તરીકે મદદ લેવામા આવશે.

મહત્વનું છે કે જનરલ ડોક્ટર્સ એસોસિએશનના નેજા હેઠળ મેડિકલના વિદ્યાર્થીઓએ પહેલેથી જ કોરોનામાં ક્લિનિકલ ડયુટી સોંપવા પર સરકારનો ઉગ્ર વિરોધ કર્યો છે અને એમસીઆઈની ગાઈડલાઈન વિરૂદ્ધ કામગીરી અપાતી હોવાની ફરિયાદ ઉઠાવી છે ત્યારે સરકારના આ નિર્ણયથી રાજ્યભરમા વ્યાપક વિરોધ ઉભો થાય તેમ છે.

કારણકે વધતા કોરોના કેસો વચ્ચે જ્યાં રાજ્યભરની કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ છે અને વિદ્યાર્થીઓને બોલાવવાના જ નથી  ત્યારે વિદ્યાર્થીઓને ફરજીયાત કામગીરી સોંપવાના આ નિર્ણયથી રોષ ફેલાઈ શકે છે.

ઉપરાંત ખાનગી કોલેજો કે જ્યાં તો વિદ્યાર્થીઓ લાખો ફી ભરીને પ્રવેશ લેતા હોય તેમના વાલીઓ સરકારની આ કામગીરી સામે  વાંધો ઉઠાવી શકે.ખાનગી કોલેજોના વિદ્યાર્થીઓને પણ કામગીરીમાં જોડી લેવામા આવતા રાજ્યના મેડિકલ-પેરામેડિકલના 80 હજારથી વધુ વિદ્યાર્થીઓને વ્યાપક કામગીરી સોંપાશે.

વિદ્યાર્થીઓને આ પ્રકારની જુદી જુદી કામગીરી સોંપાશે 

પ્રિવેન્ટિવ કેર

-કોમ્પ્યુનિટી સર્વેલન્સ, અવેરનેસ, આરોગ્ય શિક્ષણ, રોગનું કારણ-નિવારણની પ્રવૃતિ

-આઉટરીચ મેડિકલ ઓપીડીમાં ડોકોટરના સુપરવિઝનમાં મેડિકલ કેર, તાવ અને ઓક્સીજનની કમી વાળા દર્દીનું સ્ક્રિનિંગ

-ઈમ્યુનિટી વધે તેવો ખોરાક તથા ઔષધી બાબતો

- સેમ્પલ કલેકશન સમયે કાઉન્સેલિંગ

ક્લિનિકલ કેર

-હેલ્પ ડેસક, કંટ્રોલરૂમ, કાઉન્સેલિંગ , હેલ્થ એજ્યુકેશન, હોમ આઈસોલેશન કરેલ દર્દીના કેર ટેકર તરીકે

- નિષ્ણાંંત ડોક્ટરોના સુપરવિઝન હેઠળ મેડિકલ કેર-બેઝિક મેડિકલ ચેકઅપ ,પેશન્ટ સ્ક્રિનિંગ, પેશન્ટ ફાઈલ મેઈન્ટેન, મેડિકલ પ્રોસિઝરમા મદદ

-સેમ્પલ કલેકશન, પેકેજિંગ અને ટ્રાન્સપોર્ટ

લોજિસ્ટિક

-વિવિધ દવાઓની જાણકારી, સ્ટોક મેઈન્ટેનિંગ અને નિષ્ણાંતોની સલાહ ુજબ સમયસર દવા અને ખોરાક મળે તેવી વ્યવસ્થા

-હોસ્પિટલ મેનેજમેન્ટમાં સહાય દર્દી તથા દર્દીઓના સગાઓનું કાઉન્સેલિંગ

અન્ય

-હેલ્થ અને મેડિકલ ડેટા મેનેજમેન્ટ 

-તજજ્ઞાનના માર્ગદર્શન હેઠળ ડેટા એનાલિસીસ

-1100 અને 104 હેલ્પલાઈન પર ટેલી કાઉન્સેલિંગ

Tags :